નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ અંગેની માહિતી આપી. એવું માનવામાં આવે છે કે 86 વર્ષીય સાંસદ અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)માં કથિત ગેરરીતિઓની તપાસના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શ્રીનગરથી લોકસભાના વર્તમાન સાંસદ અબ્દુલ્લા સામે નોંધાયેલા કેસમાં EDએ 2022માં ચાર્જશીટ દાખલ કરી હતી.
EDએ કહ્યું કે આ કેસ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ફંડની ઉચાપત સાથે સંબંધીત છે. ઈડીએ અબ્દુલ્લાને મોકલવામાં આવેલી નોટિસમાં તેમને શ્રીનગરની ઓફિસમાં હાજર થવા માટે કહ્યું છે.
અધિકારીઓ સામે પણ આરોપઃ આપને જણાવી દઈએ કે, EDએ ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ 2022માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં ફારુક અબ્દુલ્લા સિવાય જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન અધિકારી અહેસાન અહેમદ મિર્ઝા, મીર ગઝનફર સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલોઃ આપને જણાવી દઈએ કે, આ કૌભાંડ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન સાથે સંબંધિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે કાર્યવાહી કરી ચૂક્યું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 21 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી છે. જેમાં ફારુક અબ્દુલ્લા, અહેસાન મિર્ઝા બેગ અને મીર મંજૂરની મિલકતોનો સમાવેશ થાય છે. જ્યારે EDએ આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે JKCAના બેંક ખાતામાંથી કોઈપણ કારણ વગર રોકડ ઉપાડી લેવામાં આવી હતી. જેની રકમ અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. EDએ 2018માં CBI દ્વારા નોંધાયેલી FIRને તેની તપાસનો આધાર બનાવ્યો હતો.