ઉત્તરકાશી (ઉત્તરાખંડ): ઉત્તરકાશીમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. સવારે 02.02 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોધાઈ છે. જોકે, ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનીના સમાચાર નથી. ઈન્ડિયન સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની ઊંડાઈ 5 કિલોમીટર હતી.
7 મહિનામાં 13મો ભૂકંપ!: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં છેલ્લા 7 મહિનામાં 13 વખત ભૂકંપ આવ્યો છે. ગત મોડી રાત્રે આવેલો ભૂકંપ છેલ્લાં 7મા મહિનામાં આ જિલ્લામાં આવેલો 13મો ભૂકંપ હતો. જો કે આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. આમ છતાં વારંવાર આવતા ભૂકંપના કારણે લોકો ભયભીત છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પણ તેને મોટા ભૂકંપનું ટ્રેલર માની રહ્યા છે.
ઉત્તરાખંડ ભૂકંપના દૃષ્ટિકોણથી સંવેદનશીલ: ઉત્તરાખંડ ભૂકંપના દૃષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે. તેના ઘણા જિલ્લાઓ ઝોન 5 માં આવે છે. એટલે કે આ જિલ્લાઓમાં ભૂકંપનું જોખમ વધારે છે. ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, રૂદ્રપ્રયાગ અને બાગેશ્વર જિલ્લાઓ અત્યંત સંવેદનશીલ એટલે કે ઝોન પાંચમાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ જિલ્લાઓમાં વિનાશક ભૂકંપ પણ આવ્યા છે.
43 વર્ષમાં 3 મોટા ભૂકંપ: ઉત્તરાખંડમાં છેલ્લા 43 વર્ષમાં 3 મોટા ભૂકંપ આવી ચુક્યાં છે, જેના કારણે ઘણું જાનમાલનું નુકસાન થયું. 1980માં પિથોરાગઢમાં આવેલા ભૂકંપને યાદ કરીને લોકો આજે પણ કંપી ઉઠે છે. ત્યારે જિલ્લાના ધારચુલામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે જાન-માલનું ભારે નુકસાન થયું હતું. 1991ના ઉત્તરકાશીના ભૂકંપને કોઈ ભૂલી શકે તેમ નથી. 6.6ની તીવ્રતાના આ ભૂકંપે ઉત્તરકાશી જિલ્લામાં તબાહી મચાવી હતી. ચમોલી જિલ્લામાં 1999માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. 6.8ની તીવ્રતાના આ ભૂકંપમાં ઘણું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં ઉત્તરકાશીમાં છેલ્લા 7 મહિનામાં 13મી વખત આવેલા ભૂકંપે લોકોને ભયભીત કરી નાખ્યા છે.