- દિલ્હીની મેક્સ હોસ્પિટલના ડોક્ટરની ચેટ થઈ વાઈરલ
- ઓનલાઈન કન્સલ્ટેશન માટે દર્દી પાસેથી માગતા હતા 50 હજાર રૂપિયા
- આ અંગેની જાણકારી મળતા હોસ્પિટલમાંથી કરાયા ટર્મિનેટ
નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરમાં મોટાભાગના લોકો હોસ્પિટલ જવાની જગ્યાએ ડોક્ટરો પાસેથી કોલ અને વીડિયો કોલના માધ્યમથી કન્સલ્ટેશન કરાવતા હોય છે. ડોક્ટરો પણ દર્દીઓને પ્રત્યક્ષ રીતે મળવાની જગ્યાએ આ પ્રકારે કન્સલ્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વોટ્સએપ ચેટ વાઈરલ થઈ રહી છે. જેમાં મેક્સ, સાકેત હોસ્પિટલના ડૉ. વિકાસ આહલૂવાલિયા વીડિયો કન્સલ્ટેશન તેમજ વોટ્સએપ મેસેજ દ્વારા કોરોનાને લગતી માહિતી આપવા માટે 50 હજાર રૂપિયાની માગ કરી રહ્યા છે.
ડોક્ટર વિકાસ આહલૂવાલિયાને કરાયા ટર્મિનેટ
આ વાઈરલ ચેટને લઈને દિલ્હી સાકેત મેક્સ હોસ્પિટલના પ્રશાસન સાથે વાત કરવામાં આવતા હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમને આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી મળી હતી. આ જાણકારી મળ્યા બાદ તરત જ હોસ્પિટલ પ્રશાસને ડોક્ટર વિકાસને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. ડો. વિકાસ આહલૂવાલિયા ડાયાબેટોલોજી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતા, જેમને નિકાળી દેવામાં આવ્યા છે.
હોસ્પિટલને આ અંગે કોઈ જાણકારી ન હતી
હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પ્રશાસનને આ અંગે કોઈ જાણકારી ન હતી. હોસ્પિટલ દ્વારા પણ ઓનલાઈન કન્સલ્ટેશન માટે આ પ્રકારની કોઈ ફી લેવામાં આવતી નથી. ડોક્ટર વિકાસ પોતાની જાતે જ આ ફી વસૂલતા હતા. આ અંગે જ્યારે અમને ખબર પડી ત્યારે તેમને તાત્કાલિક ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા.
ડોક્ટર આહલૂવાલિયાએ ન આપ્યો કોઈ જવાબ
વાઈરલ થયેલી ચેટને લઈને ETV Bharat દ્વારા ડોક્ટર વિકાસ આહલૂવાલિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. હાલમાં તેમની ચેટ સોશિયલ મીડિયા પર વિવિધ જગ્યાઓ પર શેર કરવામાં આવી રહી છે.