- દિવાળીનો તહેવાર અને લોક માન્યતાઓ
- વિવિધ પરેશાનીમાંથી મુકત કરતાં નુસખા
- તંત્ર,મંત્ર અને યંત્રની શક્તિઓનો સકારાત્મક ઉપયોગ લાવે સુખશાંતિ અને સમૃદ્ધિ
ભોપાલઃ દિવાળીનો તહેવાર માત્ર ખુશીઓ જ ઉજવવા પુરતો જ સીમિત નથી, આ તહેવાર સમૃદ્ધિનો પણ છે. તમામ મહિલાઓ, પુરુષો, બાળકો દિવાળીના તહેવારની આતુરતાથી રાહ જુએ છે. લોક માન્યતાઓ અનુસાર આ દિવસ એવો છે કે આપણે સાધારણ પૂજા અને સરળ ઉપાય કરીને આપણા જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મેળવી શકીએ છીએ. સાધુ-સંન્યાસી પણ આ તહેવારની રાહ જુએ છે અને હર્ષોલ્લાસથી ઉજવે છે કારણ કે દિવાળીની રાત ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સાધનાઓની સિદ્ધિ અને તંત્ર, મંત્ર અને યંત્રોની સિદ્ધિ માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
શુકન શાસ્ત્ર
શુકન શાસ્ત્ર અનુસાર આ દિવસે આવનારા કેટલાક શુકન વ્યક્તિના જીવનમાં સારા સમય આવવાનો સંકેત આપે છે. લોક માન્યતાઓમાં દિવાળી સાથે સંકળાયેલા પ્રાણીઓ અને પક્ષીઓના શુકન ખૂબ જ પ્રચલિત છે. સૌથી પહેલા વાત કરીએ ઘુવડ તંત્રની. કેટલીક માન્યતાઓ અનુસાર લક્ષ્મીજી ઘુવડની સવારી કરે છે. દિવાળીની રાત્રે કયું શુકન થવું અથવા દેખાવું શુભ માનવામાં આવે છે તે જાણવું જોઇએ.
દિવાળીના રામબાણ ઉપાય
દિવાળીના દિવસે પૂજા સમયે 11 કોડીને ગંગાજળથી શુદ્ધ કરીને હળદર, કુમકુમથી પૂજન કરી દેવી લક્ષ્મીને (laxmi ji) અર્પણ કરો. કોડીઓને લક્ષ્મીજીની સામે રાખો અને બીજા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. જેના કારણે ઘરમાં ધન અને સમૃદ્ધિનો અભાવ રહેતો નથી. દિવાળીના દિવસે શ્રીસૂક્ત અને કનકધારા સ્તોત્ર, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામ, લક્ષ્મી સૂક્તનો પાઠ અવશ્ય કરવો. જો શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય. તમે આ સ્તોત્રો અને પાઠ સાંભળી પણ શકો છો. સીડી, ડીવીડી અને મોબાઈલ પર પણ સાંભળી શકો છો.
સાવરણી અને પીપળાનો ઉપાય
દિવાળીના દિવસે નવી સાવરણી અવશ્ય ખરીદો. નવી સાવરણીથી આખા ઘરને સાફ કરો, જ્યારે આ સાવરણીની જરુર ન હોય ત્યારે તેને છુપાવીને રાખો, લક્ષ્મીજીનું આગમન થશે. દિવાળીના દિવસે મંદિરમાં સાવરણીનું દાન કરો. દિવાળીના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો, પીપળાને પ્રણામ કરો અને તમારી ઈચ્છા કહો, મા લક્ષ્મીનું ધ્યાન કરો, પછી પરત ફરો ત્યારે પાછું વાળીને જોશો નહીં. ધ્યાન રાખો કે આ ક્રિયા એકદમ ચૂપચાપ કરો.
યંત્રપૂજનનો ઉપાય
દિવાળીના દિવસે પૂજામાં શ્રી યંત્ર, લક્ષ્મી યંત્ર અને કુબેર યંત્રની સ્થાપના કરો. સ્ફટિકના (shri yantra) શ્રી યંત્રની સ્થાપના કરી શકો છો. કનકધારા યંત્ર, શ્રી ગણેશ અને ધનની દેવી લક્ષ્મીનું સંયુક્ત યંત્ર, વિધિવત રીતે સ્થાપિત કરી શકાય છે. મહાલક્ષ્મી યંત્ર અને શ્રી મંગલ યંત્રની વિધિવત રીતે પૂજા કરો. દરરોજ ધૂપદીપથી યંત્રની પૂજા કરો. દિવાળીના દિવસે સવારે ઘરમાં શેરડીના મૂળને આમંત્રણ અને નમસ્કાર સાથે લાવો. રાત્રે લક્ષ્મી પૂજનના સમયે શેરડીના મૂળની પણ પૂજા કરો, આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.
અત્તરનો વિશિષ્ટ ઉપયોગ કરતો ઉપાય
દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા સમયે અથવા કોઈપણ લક્ષ્મી મંદિરમાં માને સુગંધિત ધૂપ, અત્તર અને કેસર ચઢાવો. બીજા દિવસથી આ કેસરનું તિલક અને અત્તર આખા વર્ષ સુધી લગાવીને કામ પર જવાથી સફળતા મળે છે. દિવાળીના દિવસે, સાંજે પૂજા પહેલાં તમારી પત્નીના હાથે કોઈપણ ગરીબ પરિણીત સ્ત્રીને સુહાગ સામગ્રી અવશ્ય અપાવવી જોઈએ, સામગ્રીમાં અત્તર હોવું જોઈએ. જેના કારણે માતા લક્ષ્મીની કૃપાથી આખા વર્ષ દરમિયાન તે ઘરમાં ધનની કમી કદી નથી રહેતી.
કલેશ દૂર કરતો ઉપાય
જો ઘરમાં કલેશ હોય સુખશાંતિ દૂર થઈ ગઈ હોય તો દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક ડબ્બીમાં સિંદૂર રાખીને બે ગોમતી ચક્ર લઈને તેના પર મૂકો. હવે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકો અને આ કોઈને કહો નહીં. ઘરનો કલેશ સમાપ્ત થશે. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજામાં પીળી કોડી, કાળી હળદરની ગાંઠની પૂજા કરો અને પૂજા પછી તેને તમારી તિજોરી અથવા નાણાં રાખવાની જગ્યાએ રાખો. આ સાથે રાતના સમયે ડબ્બામાં/વાસણમાં હથ્થાજોડીને સિંદૂરમાં ભરીને તિજોરીમાં રાખવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
પારિવારિક પ્રેમ વધારશે આ ઉપાય
દિવાળીના દિવસે શિવલિંગને અક્ષત અર્પણ કરો. ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોય. આ ક્રિયા મંદિરમાં જ કરો. દિવાળી પહેલાં ધનતેરસના દિવસે હળદર અને ચોખાને પીસીને તેના મિશ્રણથી ઘરના મુખ્ય દરવાજા પર 'ઓમ' બનાવવાથી ધન આવવાના નવા દ્વાર ખુલશે. દિવાળી પર લક્ષ્મી પૂજાના સમયે મોતી શંખ અથવા દક્ષિણાવર્તી શંખની પૂજા કરો. આ પછી બીજા દિવસે તેને તમારી તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે, ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે.
પિતૃઓને પણ યાદ કરી તર્પણદાન કરો
દિવાળીના દિવસે અમાસ હોય છે તેથી પોતાના પૂર્વજોનું સ્મરણ કરો. તેમને સવારે તેમનું તર્પણ કરો અને બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને ભોજન આપો, દાન કરો. આમ કરવાથી તમને પિતૃઓ તરફથી સુખશાંતિના આશીર્વાદ મળે છે. ધનતેરસ અને દિવાળીના દિવસે ગાય, ગુરુ, મંદિર, પશુપક્ષીઓ અને જરૂરિયાતમંદોની સેવા અથવા મદદ કરો.
સાફસફાઈ સાથે જોડાયેલી માન્યતા
દેવી લક્ષ્મીનો વાસ માત્ર સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણમાં હોય છે. ત્યારે દરેક વ્યક્તિએ દિવાળી પહેલાં ઘરને સારી રીતે સાફ કરી લેવું જોઈએ. ઘરમાં કચરો, ભંગાર અને ગંદકી ન રહે તેનું ધ્યાન રાખો. દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. તેથી આ સમય દરમિયાન ઘરની સફાઈ કરવી જરૂરી છે. ધનતેરસ પર સાવરણી અને સાફસફાઈ સંબંધિત વસ્તુઓની ખાસ ખરીદી કરવામાં આવે છે.
અન્ય માન્યતાઓ
માન્યતાઓ મુજબ દિવસે સૂવું ન જોઇએ. દિવસે સૂવાથી નકારાત્મકતા અને આળસ આવે છે. દિવાળી અને ધનતેરસ જેવા અન્ય તહેવારના દિવસોમાં તો બિલકુલ જ ન સૂવો. એ પણ લોક માન્યતા છે કે દિવાળી અને ધનતેરસના દિવસે કોઇને પણ નાણાં ઉધાર ન આપવા જોઇએ, જોકે જરુરિયાતમંદને દાન કરી શકો છો.
આ પણ વાંચોઃ આજે કાળી ચૌદશ, જાણો દિવાળી પર્વમાં શું છે કાળી ચૌદશનું મહત્વ
આ પણ વાંચોઃ સલામતી સાથે કરો દિવાળી પર્વની ઉજવણી