ન્યૂઝ ડેસ્ક : 1973માં આવેલી ફિલ્મ સૌદાગરમાં અમિતાભ બચ્ચન ગોળનો વેપારી છે. તે સ્વરૂપવાન પદ્મા ખન્નાના મોહમાં પડ્યો અને પત્ની નુતનને છુટ્ટાછેડા આપી દીધા. પરંતુ ગ્રાહકોને તેના નવા ગોળની ગુણવત્તા પસંદ ના પડી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે નુતનનું મૂલ્ય શું છે.
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન (DFI)ની રચના કરવાની જાહેરાત કરી છે. ખાનગી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં આવી શકે છે. આ રીતે નાણાં પ્રધાને જાણે સૌદાગર ફિલ્મની જ સ્થિતિને ફરી ઊભી કરી છે.
ઉદારીકરણના ત્રણ દાયકા બાદ હવે ભારત તંદુરસ્ત અને આધુનિક નાણાં બજાર ઊભી કરવા માટે આતુર છે, જેમાં લાંબા ગાળાના ધિરાણના વિકલ્પો ઉપલબ્ધ હોય છે. આવા વિકલ્પોને કારણે માળખાકિય સુવિધાઓ ઊભી કરી શકાશે અને પ્રયોગ સફળ રહ્યો તો તેના કારણે નાણાકીય બજારમાં ધિરાણ ડૂબી જવાની - NPAની સમસ્યા હોય છે તેની સામે પણ સુરક્ષા મળશે. સાથે જ વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ વધશે અને ખાસ તો પેન્શન ફંડનું રોકાણ વધશે.
દાસમુનશીની વાત સાચી ઠરી
2003 સુધી ભારતમાં નાણાં બજારમાં DFI સક્રિય જ હતી. તે વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (IDBI) ઍૅક્ટ, 1964ને ભારતીય સંસદે રદ કર્યો હતો. IDBI ઉત્તમ કક્ષાની DFI હતી અને તે એક રીતે નિયંત્રિક સંસ્થા તરીકે પણ કામ કરતી હતી. તેની નીચે બે મોટી DFI કામ કરતી હતી – ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (IFCI) અને ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (ICICI) કામ કરતી હતી બીજી પણ આવી નાની ધિરાણ કંપનીઓ તેના માર્ગદર્શનમાં કામ કરતી હતી.
આ પ્રકારનો નિર્ણય લેવા માટેની પૂર્વભૂમિકા 1998માં જ તૈયાર થઈ ગઈ હતી. તે વખતે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર એમ. નરસિંહન અને IDBIના ચેરમેન એસ. એચ. ખાનની સમિતિએ ભલામણ કરી હતી કે યુનિવર્સલ બૅન્કિંગ લાવવામાં આવે અને લાંબા ગાળાના ધિરાણ પર DFIની મોનૉપલી છે તે દૂર કરવામાં આવે.
આ અહેવાલના આધારે સરકારે પ્રારંભમાં બીજી બૅન્કોને પણ ધિરાણ માટે છૂટ આપવાનું શરૂ કર્યું હતું. ICICIએ આ છૂટનો લાભ લઈને અલગથી બૅન્ક શરૂ કરી હતી. આ પછી હવે DFI નિયંત્રક કાયદાને દૂર કરવા માટેની માત્ર વિધિ કરવાની રહી ગઈ હતી. જાણકારોની દલીલ એવી છે કે અમેરિકામાં DFI વિના પણ કામકાજ ચાલે જ છે. ખાસ કરીને કોંગ્રેસના સાંસદ સ્વ. પ્રિય રંજન દાસમુનશીએ સંસદમાં આ બાબતનો વિરોધ કર્યો હતો. તેમણે સરકારને પુનઃવિચારણા માટે આગ્રહ કર્યો હતો. આજે બે દાયકા બાદ દાસમુનશીની વાત સાચી ઠરી છે.
ગંભીર ખામી
બૅન્કિંગમાં લાંબા ગાળાનું ધિરાણ કોઈ બેલેન્સ શીટના આધાર વિના હોય છે અને તેના કારણે તેમાં જોખમ હોય છે. પરંતુ અર્થતંત્રના વિકાસ માટે આ પ્રકારનું ધિરાણ જરૂરી હોય છે. તેના વિના વેપારી સાહસિકો મોટા પ્રોજેક્ટ કરી શકતા નથી. જોખમ સાથે ધિરાણ ના મળે ત્યારે મોટા ઔદ્યોગિક જૂથો જ ફાવે. તેમને જ ધિરાણ મળે અને ઓછા જોખમી પ્રોજેક્ટ્સ માટે જ ધિરાણ મળે.
આ બાબતમાં વેપારી સાહસિક અને પ્રોફેશનલ તરફથી તૈયાર થયેલી હલ્દિયા પેટ્રોકેમિકલ્સનું ઉદાહરણ ક્લાસિક છે. છેલ્લા દાયકામાં ઓછા જાણીતા પ્રમોટર્સ દ્વારા ઘણા બધા થર્મલ પાવર પ્લાન્ટ્સ તૈયાર થયા છે, તેનું કારણ પણ ધિરાણની ઉપલબ્ધિ છે.
BOOT (બિલ્ટ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર) પ્રોજેક્ટ મોટા ભાગે હાઈવે માટે હોય છે. આવા જંગી પ્રોજેક્ટ માટે મોટું ધિરાણ જરૂરી હોય છે.
BOOT ડેવલપર પોતાના તરફથી ભૂલ થાય ત્યારે તેના જોખમ સામેની ગેરન્ટી આપી શકે છે, પરંતુ તે સિવાયની બાબતમાં તેને જવાબદાર ઠેરવી શકાય નહિ. જમીન સંપાદનમાં મોડું થાય કે ધાર્યા કરતાં ઓછો ટોલ ટેક્સ મળે ત્યારે તે બાબત તેના હાથમાં હોતી નથી. આવા સંજોગોમાં ધારણા પ્રમાણે પરિણામો ના આવે ત્યારે ધિરાણ આપવારા પાસે વસૂલી કરવા માટેની શક્યતાઓ ઓછી હોય છે.
ટૂંકમાં કહીએ તો લાંબા ગાળાનું ધિરાણ એક વિશેષ આવડત માગી લેનારું કામ છે. બૅન્કિંગમાં ઉદારીકરણ લાવવામાં આવ્યું તેને યોગ્ય ગણાવાયું હતું, પરંતુ અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની બંનેની સરકારોએ આ ધિરાણમાં વિશેષ આવડત ઊભી કરવામાં નિષ્ફળતા મેળવી હતી.
ભારતમાં લાંબા ગાળાની જામીનગીરી માટેનું બજાર નથી. મૂડી પરના આરબીઆઈના નિયંત્રણોને કારણે આવી બજાર ઊભી કરવામાં અડચણ ઊભી થઈ રહી છે. સામાજિક સેવાના હેતુ સાથે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (EPFO) કામ કરે છે, તેના કારણે માર્કેટ આધારિત પેન્શન ફંડ ઊભા કરવાનું કામ મુશ્કેલ બની રહ્યું છે.
તેનું પરિણામ નુકસાનકારક આવ્યું છે. નાની નાની બૅન્કોએ ભેગા મળીને કન્સોર્ટિયમની રીતે ધિરાણ આપવા માટે 2004થી 2009 દરમિયાન હોડ લગાવી હતી. આ બૅન્કો ટૂંકા ગાળાની (બેથી ત્રણ વર્ષની) ડિપોઝીટ હાઈવે બાંધકામમાં રોકતી હતી, જેના પરનું વળતર 15 વર્ષના ગાળામાં વહેંચાયેલું હતું.
હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદનની સમસ્યાને કારણે વિલબં થતો રહ્યો. વીજ ઉત્પાદન એકમોને નફો ના મળ્યો, કેમ કે વીજળીના દર સબસિડી સાથે નક્કી થતા હોય છે એટલી પૂરતી આવક થતી નથી. તેના કારણે ધિરાણની પુનઃચૂકવણી મુશ્કેલ બની અને દેવાળું કાઢવાનો વારો આવ્યો. તેના કારણે બૅન્કોની NPAમાં ગંજાવર વધારો થઈ ગયો.
ધિરાણનો અભાવ
આજે એવી સ્થિતિ આવીને ઊભી છે કે બૅન્કો પાસે મૂડી છે, પણ તેના તરફથી ધિરાણ આપવાનું લગભગ બંધ થઈ ગયું છે. નવા પ્રોજેક્ટ માટે ધિરાણ આપવા બૅન્કો તૈયાર નથી. તેના બદલે મજબૂત બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓને જ લોન આપે છે. બૅન્કિંગ પરિભાષામાં તેને કૉર્પોરેટ લોન કહેવામાં આવે છે. બાકીની રોકડ સલામત રીતે આરબીઆઈમાં રોકી દેવામાં આવે છે.
2014માં મોદી સરકારે માળખાકિય સુવિધાઓ વધારવાને અગ્રતા આપી ત્યારે આ સમસ્યા સામે આવી હતી. આ સમસ્યાના નિવારણ માટે મોદી સરકારે પ્રથમ હાયબ્રીડ એન્યુઇટી મૉડલ (HAM) અપનાવ્યું, જેમાં અંદાજિત આવકનો એક હિસ્સો ખાનગી BOOT ડેલવપર માટે અનામત રખાયો.
આમ છતાં બૅન્કોને હૈયાધારણ ના મળી અને તેથી સરકારે આખરે EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) મૉડલ અપનાવવું પડ્યું. આ મૉડલમાં નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અથવા નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NHIDCL) તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે, જ્યારે બાંધકામ ખાનગી કોન્ટ્રેક્ટર કંપનીઓ કરે.
ભારતમાં માળખાકિય સુવિધાની મોટા પાયે જરૂર છે, ત્યારે આ મૉડલ ઊપયોગી થાય તેવું નથી. કેમ કે આ મૉડલમાં NHAI અને NHIDCLની બેલેન્સ શીટમાં કેટલું ભંડોળ છે, તેના પ્રમાણમાં જ પ્રોજેક્ટ્સ હાથ ધરી શકાય છે. વિકસિત દેશોમાં આવી સમસ્યાઓ હોતી નથી. ખાસ કરીને જમીન સંપાદનની સમસ્યા હોતી નથી. બીજું કે અમેરિકામાં તગડું બોન્ડ માર્કેટ છે. ઓસ્ટ્રેલિયામાં પ્રોજેક્ટ મોનેટાઇઝેશન માટેની સારી વ્યવસ્થા છે.
પ્રોજેક્ટનું મોનેટાઇઝેશન
આ વખતના બજેટમાં નાણાં પ્રધાને ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે : એક, સરકાર હવે પ્રોજેક્ટના મોનેટાઇઝેશનને ઉત્તેજન આપવા માગે છે. તેનો અર્થ એ થયો કે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળના પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકવામાં આવશે અને તેનું મૂલ્ય નક્કી કરીને ખાનગી કંપનીઓને આપવામાં આવશે. ખાનગી કંપનીઓ ઉપભોક્તા પાસેથી વસૂલી કરીને વળતર મેળવી શકશે.
આના કારણે પ્રોજેક્ટનું મૂલ્ય છે તે મોકળું થઈ શકે છે અને NHAI અથવા NHIDCL જેવી સંસ્થાની બેસેન્સ શીટ સુધરી શકે છે. તેના કારણે તે વધારે ધિરાણ લેવા પાત્ર બની શકે છે. વધારે ધિરાણ મળે તો વધારે પ્રોજેક્ટ્સ શરૂ કરી શકાય. આ એક નવો વિચાર છે અને તેને અમલમાં આવતા સમય લાગશે, પણ તે એક સારી શરૂઆત છે.
નાણાં પ્રધાને ડેટ માર્કેટને સુધારવાની કોશિશ પણ કરી છે. જોકે તે કામ સહેલું નથી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્થાપના કરવાની દરખાસ્ત કરી છે. રોકાણકારોને તેમાં રોકાણ કરવા માટેની લાંબા ગાળાની તક મળી શકે છે.
આ પ્રારંભિક પગલાંઓ છે અને તેનો યોગ્ય અમલ થાય તો જ તેમાં સફળતા મળે તેમ છે. ખાસ કરીને અમુક ક્ષેત્રમાં પરવાના માટેની વ્યવસ્થા છે તેમાં ફેરફારોની જરૂર છે. સાથે જ રાજકીય ઇચ્છાશક્તિ અને નીતિમાં સુસંગતતા રહે તે પણ જરૂરી છે. જોકે સરકારે DFIની રચના કરીને લાંબા ગાળાના ધિરાણને ઉત્તેજન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ખાનગી ક્ષેત્ર માટેની વાત કરીને સરકારે એવો ઇરાદો વ્યક્ત કર્યો છે કે તે મોનૉપલીમાં માનતી નથી, પણ કાર્યને ઉત્તેજન આપનારા તરીકેની ભૂમિકામાં માને છે.
આ વર્તમાન સમયે સારા સમાચાર છે. સરકારની ભૂમિકા ધિરાણની બાબતમાં આવે ત્યારે ગરબડો સર્જાતી હોય છે અને અત્યારે સરકારી બેન્કોની જે હાલત છે તે આ બાબતનો પુરાવો છે. બીજી બાજુ બૅન્કોનું એકીકરણ થઈ રહ્યું છે તેના કારણે પણ લાંબા ગાળાના ધિરાણને ઉત્તેજન મળશે. આ બાબતમાં સ્ટેટ બેન્કનો સારો રેકર્ડ રહ્યો છે. સરકાર હવે ધિરાણ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવા માગે છે ત્યારે મોટી બૅન્કો પણ આળખ ખંખેરીને ધિરાણની બાબતમાં સક્રિય થશે તેવી આશા રાખી શકાય.
પ્રતિમ રંજન બોઝ, સિનિયર પત્રકાર, કોલકાતા. લેખમાં વ્યક્ત વિચારો લેખકના અંગત છે.)