નવી દિલ્હીઃ દિલ્હીના લુટિયનમાં કાર ચલાવતા વિદેશી નાગરિક પાસેથી ચલણના નામે ટ્રાફિક પોલીસકર્મીએ 5000 રૂપિયા વસૂલ્યા હતા. આ ઘટના કારમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ હતી. લાંચ લેતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતા ટ્વિટ દ્વારા દિલ્હી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી પોલીસે ટ્રાફિક કોન્સ્ટેબલ મહેશ ચંદને સસ્પેન્ડ કરી દીધા છે. વરિષ્ઠ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના 20 જુલાઈની હોવાનું સામે આવ્યું છે.
કેમેરામાં કેદ થઈ ઘટના: મળતી માહિતી મુજબ આ મામલો તુગલક રોડ સર્કલનો છે. વાયરલ વીડિયોમાં એક કોરિયન નાગરિકને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો છે. ભારતની મુલાકાતે આવેલો આ વ્યક્તિ કાર રોકીને ડ્રાઇવરની સીટ પર બેઠો જોવા મળે છે. તેમની કારમાં એક કેમેરા લગાવવામાં આવ્યો છે, જેમાં રેકોર્ડિંગ ચાલી રહ્યું છે. હવાલદાર મહેશ ચંદ તેને કહે છે કે તે ખોટા કૈરિજ વે પર ડ્રાઇવ કરી રહ્યો હતો. આના પર કોરિયન યુવક માફી માંગે છે પરંતુ હવાલદાર તેને કહે છે કે આ માટે તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. કોન્સ્ટેબલ પાંચ હજાર રૂપિયા લેતા વીડિયોમાં કેદ થયા હતા.
ટ્રાફિક પોલીસકર્મી સસ્પેન્ડ: એક ટ્વિટર યુઝરે ટ્રાફિક પોલીસને આ વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે ચલનના નામે વિદેશી પાસેથી પાંચ હજાર રૂપિયા લેવામાં આવ્યા. જેના પર ટ્રાફિક પોલીસે હવાલદાર મહેશ ચંદને સસ્પેન્ડ કરી દીધા હતા. આ અંગેની માહિતી ટ્રાફિક પોલીસે ટ્વિટ કરીને આપી છે. આ વીડિયો પર લોકોએ ટ્વિટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. વિપિન સિંહ નામના યૂઝરે લખ્યું છે કે સરકાર સરકારી કામમાં પારદર્શિતાનો ગમે તેટલો દાવો કરે પણ આવા કર્મચારીઓ બધુ બગાડે છે.