નવી દિલ્હીઃ દિલ્હીમાં એક 30 વર્ષના યુવાન ફિલ્મ નિર્માતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ તે લગભગ 20 મિનિટ સુધી રોડ પર લોહીથી લથપથ પડ્યો રહ્યો, પરંતુ તેની મદદ કરવા કોઈ આવ્યું નહીં. લોકો દર્શક બનીને ઉભા હતા. ઘટનાનો વીડિયો બનાવતો જોવા મળ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ઘટનાના CCTV ફૂટેજ: આ ઘટના 28 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. વીડિયોમાં ફિલ્મ નિર્માતા પંચશીલ એન્ક્લેવ પાસે વ્યસ્ત રોડ પર લેન બદલતા જોવા મળે છે. ત્યારે પાછળથી આવતી બીજી બાઇકે તેમને ટક્કર મારી હતી. બાઈક અથડાતાની સાથે જ ફિલ્મ નિર્માતાની મોટરસાઈકલ સ્લીપ થઈ જાય છે અને રસ્તા પર કેટલાક મીટર સુધી ખેંચાતી જોવા મળે છે.
પોલીસે જણાવ્યું કે યુવાન ફિલ્મ નિર્માતા લોહીથી લથપથ હાલતમાં મળ્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ચુક્યું હતું.
મૃતકનો સામાન ચોર્યો: મૃતકના મિત્રએ કહ્યું કે જો રાહદારીઓ પાસેથી મદદ મળી હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. તેણે આરોપ લગાવ્યો કે કોઈએ પીયુષને મદદ કરવાનો પ્રયાસ કર્યો ન હતો અને તે 20 મિનિટથી વધુ સમય સુધી રસ્તાના કિનારે લોહી વહી રહ્યો હતો જ્યારે લોકો તેની આસપાસ ફોટોગ્રાફ લેવા માટે એકઠા થયા હતા. તેના મિત્રએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ત્યાં હાજર લોકોમાંથી કોઈએ તેનો મોબાઈલ ફોન અને ગો-પ્રો કેમેરો પણ ચોરી લીધો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અન્ય બાઇક સવાર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે.