નવી દિલ્હી: સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 જૂન, 2023 કરી છે. મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. તેનાથી કરદાતાઓને આ પ્રક્રિયા માટે થોડો વધુ સમય મળશે. અગાઉ તેની અંતિમ તારીખ 31 માર્ચ હતી.
સત્તાધિકારીને આધાર નંબરની જાણ કરવી: નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આધાર-PAN લિંક કરવા માટે કોઈપણ વ્યક્તિ પોતાના આધાર નંબર વિશે સંબંધિત ઓથોરિટીને માહિતી આપી શકશે. કોઈપણ વ્યક્તિ કે જેને 1 જુલાઈ, 2017 ના રોજ PAN ફાળવવામાં આવ્યો છે અને તે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તે નિર્ધારિત ફીની ચુકવણી પર, 31 માર્ચ, 2023 સુધીમાં સંબંધિત સત્તાધિકારીને તેના આધાર નંબરની જાણ કરશે.
51 કરોડથી વધુ PAN આધાર સાથે લિંક: આમ કરવામાં નિષ્ફળતા 1 એપ્રિલ, 2023 થી દંડ થઈ શકે છે. હવે PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવી દેવામાં આવી છે. 1 જુલાઈ, 2023 થી, આવા કરદાતાઓ કે જેઓ તેમની આધાર માહિતી આપવામાં નિષ્ફળ ગયા છે તેમના PAN નિષ્ક્રિય થઈ જશે. સરકારે 1 એપ્રિલ, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 500 રૂપિયાની ફી લાદી હતી, અને બાદમાં તેને 1 જુલાઈ, 2022 થી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ PAN ને આધાર સાથે જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: KJS Dhillon On Ms Dhoni: કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પહેલા આ જનરલે 'કૂલ' દેખાવા માટે ધોનીનો લીધો સહારો
આધાર લિંક વગરના પાન કાર્ડ નિષ્ક્રિય: 1 જુલાઈ, 2023 થી, આધાર લિંક વગરના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય પછી, સંબંધિત કરદાતા ન તો ટેક્સ રિફંડનો દાવો કરી શકશે કે ન તો તેના પર વ્યાજ. ઉપરાંત, TDS અને TCS તેમની પાસેથી ઊંચા દરે કાપવામાં આવશે. નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 1,000 રૂપિયાની ફી ભર્યા પછી, નિર્ધારિત ઓથોરિટીને આધારની જાણ કર્યા પછી 30 દિવસમાં પાનને ફરીથી ઓપરેટ કરી શકાય છે. ગયા અઠવાડિયે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા છ મહિના વધારવા અને રૂ. 1,000 ફી દૂર કરવા વિનંતી કરી હતી.