નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો મોદી સરકારે કરી દીધો છે. આ નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને 42%ના દરથી મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. તે માર્ચના પગાર સાથે આ રકમની ચૂકવણી થશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટની બેઠકમાં આ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4%નો વધારો કરવાની મંજૂરી દેવામાં આવી હતી
આ પણ વાંચોઃ Rahul Gandhi: સદસ્યતા રદ્દ થતા કોંગ્રેસના નેતૃત્વ સંકટમાં વધારો થયો?
આ વર્ષથી નિર્ણય લાગુઃ મોંઘવારી ભથ્થાના વધેલા દર જાન્યુઆરી 2023થી લાગુ થશે. એટલે કે આ વર્ષથી આ નિર્ણયનો લાભ મળી રહેશે. કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક ભાર વધશે. શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાની જાહેરાતનું એલાન કરવામાં આવ્યું હતું. કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું હવે વધીને કુલ 42% થયું છે.
આ પણ વાંચોઃ Rajkot Congress Protest: રાજકોટમાં કોંગ્રેસના મંજૂરી વિના મૌન ધરણા, 15થી વધુની અટકાયત
6 મહિને સુધારોઃ AICPI-IW આંકડાઓના આધારે કર્મચારીઓને મોંઘવારી ગણીને ભથ્થું આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારવામાં આવે છે. જાન્યુઆરી માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થયો છે. જાન્યુઆરીથી જ તેનો અમલ કરવામાં આવશે. જાન્યુઆરી પહેલા મોંઘવારી ભથ્થું 38 ટકાના દરે મળતું હતું. માર્ચમાં તેની જાહેરાતને કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થા માટે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે.
(કેન્દ્ર સરકારે જાહેર કરેલી પ્રેસનોટને આધારે)