- ઉત્તર પ્રદેશના રામપુરના સાંસદ છે આઝમ ખાન
- પત્ની અને પુત્ર સાથે સીતાપુર જેલમાં ભોગવી રહ્યા છે સજા
- આઝમ ખાન અને પુત્ર અબ્દુલ્લાને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ
લખનઉ: ઉત્તર પ્રદેશના સીતાપુર જેલમાં કોરોના સંક્રમિત થયેલા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુરના સાંસદ મોહમ્મદ આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા ખાનને રવિવારે લખનઉના વેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં ઓક્સિજન પર મેળવી રહ્યા છે સારવાર
મેદાંતા હોસ્પિટલના નિર્દેશક ડૉ. રાકેશ કપૂરે રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, " આજે રાત્રે 9 વાગ્યે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા ખાનને કોરોના સંક્રમણની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે." તેમણે વધુમાં જણાવ્યું કે," શરૂઆતી તપાસમાં તેમના શરીરમાં મધ્યમ સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે. તેમને હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે."
30 એપ્રિલના રોજ થઈ હતી સંક્રમણની પુષ્ટિ
સીતાપુર જેલના ડેપ્યુટી જેલર ઓમકાર પાંડેએ જણાવ્યું હતું કે, "આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લાની તબિયત લથડતા 30 એપ્રિલના રોજ કરાવેવો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના 2 દિવસ બાદ 2 મેના રોજ પ્રશાસન દ્વારા વધુ સારવાર માટે કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, આઝમ ખાને સીતાપુર જેલની બહાર જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
15 મહિનાથી પરિવાર સાથે ભોગવે છે જેલવાસ
સાંસદ આઝમ ખાન, તેમનો પુત્ર અબ્દુલ્લા અને પત્ની સામે જમીન પચાવી પાડવાના ગુના સહિત અન્ય ઢગલાબંધ ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે. તેઓ ફેબ્રુઆરી 2020થી સીતાપુર જેલમાં સજા ભોગવી રહ્યા હતા. તેમના વિધાયત પત્નીને કોર્ટે ડિસેમ્બર 2020માં જ જામીન પર છૂટકારો આપ્યો હતો.