- બિહારની બીજી સૌથી મોટી NMCHમાં અવારનવાર બેદરકારી
- દર્દીને મિનરલ વોટરની બોટલો ચઢાવવામાં આવતી હોવાના આક્ષેપ
- ઓક્સિજનના નામે પીવાનું પાણી ડબ્બામાં નાંખવામાં આવે છે
પટના: કોરોનાના વધતા જતા સંક્રમણે ફરી એક વખત બિહારના હોસ્પિટલોની પોલ ખોલી દીધી છે. પટનાના બીજા સૌથી મોટા સરકારી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ (NMCH) માં સારવાર મેળવવા રાહ જોઈ રહેલા દર્દીઓ દમ તોડી રહ્યા છે. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, તેઓને યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. એક દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દર્દીને મિનરલ વોટર ચઢાવવામાં આવ્યું છે. જોકે, NMCH માટે આ કોઈ નવો કિસ્સો નથી. આ એ જ હોસ્પિટલ છે, જેમાં ગત વર્ષે કોરોના વોર્ડમાં 2 દિવસ સુધી સંક્રમિત દર્દીનો મૃતદેહ પડી રહ્યો હતો અને સારવાર પણ ચાલી રહી હતી.
આ પણ વાંચો: છત્તીસગઢમાં બિહામણા દ્રશ્યો, કોરોનાના દર્દીને 3 કલાક સુધી ઓક્સિજન સિલિન્ડર સાથે ખુરશીમાં બેસવું પડ્યું
કેસ કઢાવવા ગયા પરિજનો, દર્દીનું મોત
હોસ્પિટલોમાં અવ્યવસ્થા પણ લોકોની પરેશાની વધારી રહ્યા છે. સમસ્તીપુર જિલ્લાના રોસડાથી કોરોનાના દર્દીને લઈને સારવાર માટે NMCH આવેલા પરિવારજનો દર્દીનો કેસ કઢાવવા માટે ગયા હતા. જોકે, હોસ્પિટલની અવ્યવસ્થાના કારણે કેસ કાઢવામાં અડધો કલાક જેટલો સમય વીતી ગયો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં સારવારની રાહ જોઈ રહેલા દર્દીએ દમ તોડ્યો હતો. આવી જ એક ઘટના મંગળવારના રોજ બની હતી. સ્વાસ્થ્ય પ્રધાન મંગલ પાંડે NMCHની મુલાકાતે હતા, તે જ સમયે એમ્બ્યુલન્સમાં સારવાર મેળવવા માટે દોઢ કલાકથી રાહ જોઈ રહેલા દર્દીનું મોત નિપજ્યું હતું.
ઓક્સિજનના ડબ્બામાં પીવાનું પાણી નાંખે છે
NMCHમાં કોરોના સંક્રમિત દર્દીઓના સતત થઈ રહેલા મોતને લઈને પરિવારજનોમાં આક્રોશ છે. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા એક દર્દીના સંબંધી ગુડ્ડુ સિંહે જણાવ્યું કે, "હું મંગળવારે સાંજે મારા સંબંધીને લઈને અહી સારવાર માટે આવ્યો હતો. રાત્રે 11 વાગ્યે તેને દાખલ કર્યો અને બુધવારે સાંજે 4 વાગ્યા સુધી એકપણ ડૉક્ટર તેને જોવા સુદ્ધા નહોતા આવ્યા. દર્દીઓ હોસ્પિટલમાં તડપી રહ્યા છે. અહીં ઓક્સિજનના નામે અમે લોકો જે પીવાનું પાણી લઈને આવીએ છીએ, તે જ ઓક્સિજનના ડબ્બામાં નાંખીને આપવામાં આવે છે."