બેંગ્લોર : કર્ણાટક પોલીસે ખાનગી કંપનીના MD અને CEOની હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની એક ટીમે મંગળવારે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં આરોપી ફેલિક્સ, વિનય રેડ્ડી અને શિવાની કુનિગલ નજીકથી ધરપકડ કરી. હત્યાનું કારણ અંગત અદાવત હોવાનો અંદાજ છે. પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.
ઓફિસમાં કરી હત્યા : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ, આરોપીઓએ મંગળવારે ઈન્ટરનેટ સેવાઓમાં વિશેષતા ધરાવતી કંપની એરોનિક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વેણુ કુમાર ફનીન્દ્ર સુબ્રમણ્યમની હત્યા કરી હતી. આરોપી ફેલિક્સે લગભગ 4 વાગ્યે અન્ય બે લોકો સાથે કંપનીની ઓફિસમાં ઘૂસીને ફનીન્દ્ર સુબ્રમણ્યમ અને વેણુ કુમારની હત્યા કરી હતી.
ફરાર આરોપી : સૌપ્રથમ આરોપીએ કેબિનમાં બેસીને ફનીન્દ્ર સુબ્રમણ્યમ સાથે વાત કરી હતી. આ દરમિયાન આરોપીઓએ ફણીન્દ્ર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સાથે જ આરોપીઓએ બચાવવા આવેલા વિનુ કુમાર પર પણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ફેલિક્સ અને તેના સાથીદારો પાછલા દરવાજેથી ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતુ કે, આ ઘટનામાં ફણીન્દ્ર અને વીનુ કુમારનું મોત થયું હતું.
પૂર્વ સહકર્મીની હત્યા : પોલીસના જણાવ્યા અનુસાર ફનીન્દ્ર સુબ્રમણ્યમ, વિનુ કુમાર અને આરોપી ફેલિક્સ પહેલા બેનરઘટ્ટા રોડ પરની એક કંપનીમાં સાથે કામ કરતા હતા. પરંતુ બાદમાં ફેલિક્સને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ જ તિરસ્કારને કારણે ફેલિક્સે ફણીન્દ્રને મારવાનું નક્કી કર્યું. અન્ય બે આરોપી વિનય રેડ્ડી અને શિવાને ફનીન્દ્ર સામે કોઈ ફરિયાદ નહોતી. પરંતુ ફેલિક્સને તેઓએ હત્યામાં સાથ આપ્યો હતો.
હત્યારાની ધરપકડ : આરોપી ફણીન્દ્રની હત્યા કરવાના આશયથી જ આવ્યો હતો. જ્યારે તેઓનો વિનુ કુમારને મારવાનો કોઈ ઈરાદો નહોતો. પરંતુ ફણીન્દ્રને બચાવવા આવેલા વીનુ કુમાર પર પણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ ફરાર આરોપીઓને શોધવા માટે નોર્થ-ઈસ્ટ ડિવિઝન પોલીસની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે મોબાઈલ નંબર ટાવરના આધારે આરોપીઓનો પીછો કર્યો અને આખરે કુનીગલ નજીકથી ધરપકડ કરી હતી.