ચિત્રદુર્ગ: કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે હોલાલકેરે પોલીસે 8 કરોડ રોકડા જપ્ત કર્યા છે. આ રોકડ રકમ પોલીસે કબ્જે કરવાના સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઈનોવા કારમાંથી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વિના લઈ જવાતા 8 કરોડ રુપિયા જપ્ત કર્યા છે. આ ઈનોવા કાર ચિત્રદુર્ગથી શિમોગા તરફ જઈ રહી હતી. જ્યારે મલ્લાડિહલ્લી પાસે કાર પહોંચી ત્યારે હોલાલકેરે પોલીસે કાર અટકાવીને જડતી લીધી હતી. આ જડતી દરમિયાન હાજર પોલીસની આંખો પહોળી થઈ જાય તેટલી રોકડ રકમ મળી આવી હતી.
પોલીસે સચિન નામના યુવક કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અખરોટના વેપારીના આ નાણાં છે. જેને શિમોગામાં એક અન્ય અખરોટના વેપારીને પહોંચાડવાના હતા. પોલીસને આ રોકડ રકમ વિષયક જરુરી દસ્તાવેજો મળ્યા નહતા. તેથી પોલીસને કોઈ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ જણાઈ છે.
વગર કોઈ દસ્તાવેજો સાથે આટલી મોટી રકમની રોકડમાં હેરફેરની તપાસમાં ઈન્કમ ટેક્સ પણ જોડાશે. હોલાલકેરે પોલીસે ઈન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરી છે. હોલાલકેરે પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાથી મની કાઉન્ટિંગ મશિન બંધ છે. જેથી પોલીસ પૈસાની ગણતરી કરવામાં જોતરાયેલી છે.
અમને રોકડ રકમ સંબંધી કોઈ જરુરી દસ્તાવેજો મળ્યા નથી. તેથી અમે વધુ તપાસ હાથ ધરી છે. અમે ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને જાણ કરી દીધી છે. આઈટી વિભાગની તપાસ બાદ આ નાણાં કોના છે તેમજ બીજી અનેક જરુરી માહિતી મળી રહેશે...ધર્મેન્દ્રકુમાર મીણા(એસપી, ચિત્રદુર્ગ, કર્ણાટક)