- 100થી વધારે ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં કરી ઘૂસણખોરી
- ઉત્તરાખંડના બાડાહોતી સેક્ટરમાં 5 કિમી સુધી અંદર ઘૂસ્યા
- 55 ઘોડા સાથે આવેલા ચીની સૈનિકોએ એક પુલને નુકસાન પહોંચાડ્યું
નવી દિલ્હી: ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના લગભગ 100 સૈનિક વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરીને ગત મહિને ઉત્તરાખંડના બાડાહોતી સેક્ટરમાં ઘૂસી આવ્યા હતા. સૂત્રોએ આ જાણકારી આપી. સૂત્રોએ મંગળવારના જણાવ્યું કે, આ ઘટના 30 ઑગષ્ટની છે અને ચીની સૈનિક કેટલાક કલાક બાદ પાછા જતા રહ્યા.
પૂર્વ લદ્દાખમાં અનેક જગ્યાએ ભારત-ચીન વચ્ચે ડખો
ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો આ વિસ્તારમાં તહેનાત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જવાબી કાર્યવાહી તરીકે ભારતીય સૈનિકોએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. ભારતીય ક્ષેત્રમાં ચીની સૈનિકોના આગમન અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં અનેક સ્થળો પર મડાગાંઠ ચાલુ છે.
30 ઑગષ્ટે ચીનના સૈનિકોએ કરી ઘૂસણખોરી
સૂત્રોએ જણાવ્યું કે, બંને પક્ષો દ્વારા એલએસી વિશે અલગ-અલગ ધારણાઓના કારણે બાડાહોતીમાં સામાન્ય ઉલ્લંઘનની ઘટનાઓ થઈ રહી છે. જો કે ભારતીય અધિકારીઓને 30 ઑગષ્ટની ઘટનાના દિવસે સરહદ પર આવનારા ચીની સૈનિકોની સંખ્યાને લઇને આશ્ચર્ય થયું. સૂત્રોએ કહ્યું કે, 30 ઑગષ્ટના બાડાહોતી સેક્ટરમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીની ઘટના સામાન્ય નથી, કેમકે સરહદ પર બંને દેશના જવાનો પોત-પોતાની રીતે પેટ્રોલિંગ કરે છે. સરહદને લઇને વિવાદ હોવાના કારણે સરહદ પર પેટ્રોલિંગ સાઇટ પર પોતાના ક્ષેત્રના નિશાન હોય છે, જેનાથી એ જાણ થાય છે કે કોનો વિસ્તાર ક્યાં સુધી છે.
અહીં ITBPને હથિયાર લઇને જવાની પરવાનગી નથી
આ વિશે અધિકારીએ જણાવ્યું કે, જ્યારે બંને દેશોની પેટ્રોલિંગ ટીમ સામ-સામે આવે છે ત્યારે ઘર્ષણની સ્થિતિ પેદા થાય છે, પરંતુ આવી સ્થિતિમાં પણ મુદ્દાને શાંત કરવાની પ્રક્રિયા થાય છે જેનું પાલન કરવામાં આવે છે. અધિકારીઓ પ્રમાણે ઉત્તરાખંડમાં નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાનના ઉત્તરમાં 80 વર્ગ કિલોમીટર ઢાળવાળું ગોચર બાડાહોતીમાં આવેલું છે. આ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 'મિડિલ સેક્ટર'માં પડનારી એ 3 સરહદી ચોકીઓમાંથી એક છે, જ્યાં આઈટીબીપીને હથિયાર લઈ જવાની પરવાનગી નથી.
બાડાહોતી વિવાદાસ્પદ વિસ્તાર
વર્ષ 1998માં બંને દેશોએ બાડાહોતીને એક વિવાદાસ્પદ ક્ષેત્ર તરીકે સૂચિત કર્યું હતું, જ્યાં કોઈપણ પક્ષ પોતાના સૈનિક નથી મોકલતો. વર્ષ 1962ના યુદ્ધમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી 545 કિલોમીટરના મેડલ સેક્ટરમાં નહોતી ઘૂસી. તેણે પોતાનું ધ્યાન લદ્દાખ અને પૂર્વ અરુણાચલ પ્રદેશ સેક્ટરો પર કેન્દ્રિત રાખ્યું હતું.
5 કિમી સુધી અંદર આવ્યા ચીની સૈનિકો
અધિકારીએ જણાવ્યું કે, ચીને 5 મે 2020ના લદ્દાખના પેંગોંગ સરોવરની પાસે હિંસક વિવાદ ઉભો કર્યો. ત્યાં ભારતીય સૈનિકો સાથે ચીની સૈનિકોની અથડામણ બાદ હવે ઉત્તરાખંડના બાડાહોતીમાં ઘૂસણખોરી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે બાડાહોતીમાં 30 ઑગષ્ટના લગભગ 55 ઘોડાઓની સાથે લગભગ 100 ચીની સૈનિક ટુન જૂન પાસને પાર કર્યા બાદ ભારતીય સરહદમાં લગભગ 5 કિમી સુધી અંદર ઘૂસી ગયા હતા, જ્યારે સામાન્ય રીતે પેટ્રોલિંગ દળમાં 15થી 20 સૈનિકો હોય છે. આ દરમિયાન ચીનના સૈનિકોએ એક પુલને પણ નુકસાન પહોંચાડ્યું અને કેટલાક કલાક બાદ પાછા જતા રહ્યા.
ચીન સાથે ભારતની લાંબી અને મુશ્કેલ સરહદ
ઉલ્લેખનીય છે કે 3,488 કિલોમીટર લાંબી એલએસી હિમાલય પર દુનિયાની સૌથી મુશ્કેલ અને ઊંચી જગ્યામાંથી એક છે અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (1,597) અને ઉત્તરાખંડ (345), હિમાચલ પ્રદેશ (260 કિમી) રાજ્યોમાં ફેલાયલી છે. આ ઉપરાંત સિક્કિમ (198 કિમી) અને અરુણાચલ પ્રદેશ (1,126 કિમી)ની સરહદ પણ ચીનથી અડીને આવેલી છે.
આ પણ વાંચો: ભારત અને ચીન સાથેની મિત્રતા, અમારી વિદેશ નીતિ માટે સૌથી મહત્વની : નેપાળ
આ પણ વાંચો: ભારતની અગ્નિ-5 મિસાઇલના ટેસ્ટથી કેમ ગભરાયેલું છે ચીન? જાણો આની તાકાત