નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે રવિવારે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલત 'લોકોની અદાલત' તરીકે કામ કરે છે અને નાગરિકોએ અદાલતોનો સંપર્ક કરવામાં ડરવું જોઈએ નહીં અથવા તેને અંતિમ ઉપાય તરીકે જોવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે છેલ્લા સાત દાયકામાં સુપ્રીમ કોર્ટે 'લોક અદાલત' તરીકે કામ કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે હજારો નાગરિકો આ સંસ્થા દ્વારા ન્યાય મળશે એવી માન્યતા સાથે કોર્ટના દરવાજે આવે છે. તેમણે કહ્યું કે જેમ બંધારણ આપણને સ્થાપિત લોકતાંત્રિક સંસ્થાઓ અને પ્રક્રિયાઓ દ્વારા રાજકીય મતભેદોને ઉકેલવાની મંજૂરી આપે છે, તેવી જ રીતે કોર્ટ સિસ્ટમ સ્થાપિત સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ દ્વારા ઘણા મતભેદોને ઉકેલવામાં મદદ કરે છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે સર્વોચ્ચ અદાલત કદાચ વિશ્વની એકમાત્ર એવી અદાલત છે જ્યાં કોઈ પણ નાગરિક CJIને પત્ર લખીને તેની બંધારણીય તંત્રને ગતિ આપી શકે છે. તેમણે કહ્યું કે નાગરિકોને તેના ચુકાદાઓ દ્વારા ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા ઉપરાંત, સર્વોચ્ચ અદાલત તેની વહીવટી પ્રક્રિયાઓ નાગરિક કેન્દ્રિત હોય તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જેથી લોકો કોર્ટની કામગીરી સાથે જોડાયેલા અનુભવે.
CJI એ કહ્યું કે નાગરિકો તેમની વ્યગતિગત સ્વતંત્રતાના રક્ષણ, ગેરકાયદેસર ધરપકડ સામે જવાબદારી, બંધુઆ મજૂરોના અધિકારોનું રક્ષણ, આદિવાસીઓના વતનનું રક્ષણ, મેન્યુઅલ સ્કેવેન્જિંગ જેવા સામાજિક દુષણોને રોકવા અને સ્વચ્છ હવા સુધી પહોંચવાની ખાતરી કરવા માટે કોર્ટ હસ્તક્ષેપ કરી શકે છે.