અમરાવતીઃ કૌશલ વિકાસ કૌભાંડમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની જામીન અરજીની સુનાવણી વેકેશન બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ચંદ્રબાબુના વકીલોએ આંધ્રપ્રદેશ હાઈ કોર્ટમાં સુનાવણી વેકેશન બેન્ચમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. હાઈ કોર્ટના ન્યાયાધીશ સુરેશ રેડ્ડીએ આ બાબત પર સહમતિ આપી છે. જામીન અરજી પર દશેરા દરમિયાન સુનાવણી થશે.
આરોગ્ય વિષયક રિપોર્ટઃ રાજમુંદરી જેલ અધિકારીઓને ચંદ્રબાબુની આરોગ્ય સ્થિતિ વિષયક રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. ન્યાયાધીશે ખુલાસો કર્યો કે ચંદ્રબાબુની આરોગ્ય સ્થિતિ સંદર્ભે થયેલ અરજીની તપાસ પણ વેકેશન બેન્ચમાં કરવામાં આવશે. કૌશલ વિકાસ કૌભાંડમાં ચંદ્રબાબુ નાયડુ પર આરોપ લાગ્યા છે અને રાજમુંદરી જેલમાં કેદ ભોગવી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ એસીબી અદાલતના ન્યાયાધીશે કહ્યું કે તેમની સુરક્ષાને લઈને શંકા છે.
સુરક્ષા બાબતે ચિંતીતઃ ચંદ્રબાબુને જેલ અધિકારીઓએ એસીબી અદાલતના ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા. નાયડુએ તેમની સુરક્ષાને લઈને ચિંતા જણાવી હતી. આ પ્રસંગે ન્યાયાધીશે ચંદ્રબાબુને સુરક્ષાને લઈને જો ચિંતા હોય તો લેખિતમાં આપવા જણાવ્યું હતું. ન્યાયાધીશે જેલ અધિકારીઓને ચંદ્રબાબુ જે લેખિતમાં રજૂઆત કરે તે મોકલવા જણાવવા કહ્યું છે. એસીબી કોર્ટના ન્યાયાધીશે જેલ અધિકારીઓને ચંદ્રબાબુના આરોગ્ય વિષયક પુછપરછ કરી અને જેલ અધિકારીઓને મેડિકલ રિપોર્ટ અદાલતમાં રજૂ કરવા જણાવ્યું.
1 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારાઈઃ એસીબી કોર્ટે ચંદ્રબાબુની જ્યુડિશિયલ કસ્ટડી 1 નવેમ્બર સુધી વધારવાનો આદેશ કર્યો છે. ચંદ્રબાબુના વકીલોએ એસીબી કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં સેન્ટ્રલ જેલમાં મુલાકાતો વધારવા માટે માંગણી કરાઈ હતી. જેમાં દિવસમાં ત્રણવાર કાયદાકીય મુલાકાત માટે અનુરોધ કર્યો હતો. તેમણે અરજીઓ પર ચર્ચા કરવા માટે ચંદ્રબાબુ સાથે વાતચીત કરવા માટે તક આપવા જણાવ્યું. વકીલોએ વધુમાં જણાવ્યું કે જેલ અધિકારીઓ નાયડુ સાથે અમારી મુલાકાત કરવામાં પરેશાની પેદા કરી રહ્યા છે.