નવી દિલ્હીઃ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370ને રદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ છે. આ સુનાવણીમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ગમે તે સમયે ચૂંટણી યોજવા માટે તૈયારી દર્શાવી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે કોઈ ટાઈમ લિમિટ મુદ્દે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ સુનાવણી સીજેઆઈ ચંદ્રચૂડ સહિત ન્યાયાધિશ એસ. કે. કૌલ, સંજીવ ખન્ના, બી.આર. ગવઈ અને સૂર્યકાંતની સંયુક્ત ખંડપીઠ(બેન્ચ) કરી રહી છે. આ બેન્ચ દ્વારા વિશેષ રાજ્યને વિશેષ દરજ્જો અપાયો હતો.
કારગીલમાં ચૂંટણી સપ્ટેમ્બરમાંઃ તુષાર મહેતાએ કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, સરકાર જમ્મુ-કાશ્મીરમાં ગમે તે સમયે ચૂંટણી યોજવા તૈયાર છે. મતદાતાની યાદીને અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે અને મહદઅંશે પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. જિલ્લા પરિષદની ચૂંટણીઓ થઈ ચૂકી છે અને હવે સત્વરે પંચાયતની ચૂંટણીઓ પણ યોજાશે. લેહ હિલ ડેવલપમેન્ટની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે અને કારગીલની ચૂંટણીઓ સપ્ટેમ્બરમાં યોજાવાની છે.
ત્રીજી ચૂંટણી વિધાનસભાની થશેઃ આ ચૂંટણીઓ બાદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને ત્રીજી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હશે. જો કે જમ્મુ-કાશ્મીરને એક રાજ્ય બનાવવા માટેની પ્રક્રિયા ધીરે ધીરે શરૂ કરી દેવામાં આવી છે,પરંતુ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળે તે માટેની ટાઈમ લાઈન વિશે કંઈ કહી શકાય નહીં.
પથ્થરમારાની ઘટના શૂન્યઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓ 45 ટકા ઘટી છે. ઘુસણખોરી 90.2 ટકા ઘટી છે. રક્ષા કરતા જવાનોના મૃત્યુમાં 65.9 ટકા ઘટાડો થયો છે. પથ્થરબાજીની ઘટનામાં 97 ટકાનો ઘટાડો થયો છે. આ દરેક ચૂંટણી યોજવાના મહત્વના માપદંડ છે. વર્ષ 2018માં પથ્થરબાજીની કુલ 1767 ઘટનાઓ ઘટી હતી જેમાં આજે આંકડો શૂન્ય છે. સુરક્ષાકર્મીઓ અને પોલીસ ઉપરાંત આ ઘટાડો યુવાનોને રોજગાર મળવાથી પણ નોંધાયો છે. યુવાનોને અલગાવવાદીઓ દ્વારા ભટકાવવામાં આવતા હતા.