ન્યૂઝ ડેસ્ક: ભારતીય રસોઇમાં વપરાતો પ્રત્યેક મસાલો ઔષધિથી છલકાય છે અને પ્રાચીન સમયથી તેમનો ઘરેલૂ ઓસડ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. આ મસાલા અને તેજાનાના મહત્વની માત્ર ભારતીયોએ જ નહીં, બલ્કે વિદેશી નિષ્ણાતો, ડોક્ટરો અને સંશોધકોએ પણ પુષ્ટિ કરી છે. આથી, મસાલાઓની યાદીમાંથી અમે ઇલાયચીના કેટલાક ફાયદાઓ વિશે તમને જાણકારી આપીશું. એલચી સ્વાદ અને સુગંધથી તરબતર હોય છે, વળી આરોગ્ય માટે પણ તે લાભદાયી છે.
એલચી ભારતની લગભગ તમામ પ્રકારની રસોઇમાં વાપરી શકાય છે, પછી તે મસાલેદાર રસોઇ હોય કે મિષ્ટાન્ન. લોકો હલવો, ખીર, શીરો, ચા, બિરયાની વગેરેમાં મઘમઘતી સોડમ માટે તેનો ઉપયોગ કરે છે. જ્યારે પણ આપણે એલચી વિશે વાત કરીએ, ત્યારે લીલા રંગનો નાની કળી જેવો મસાલો આપણી નજર સમક્ષ તરવરી ઊઠે છે. પણ શું તમે જાણો છો કે એલચીના બે પ્રકાર હોય છે? નાની અને લીલા રંગની એલચી સામાન્યપણે ચા અને મીઠાઇના સ્વાદમાં ઉમેરો કરવા વાપરવામાં આવે છે અને બીજી એલચી મોટી, બદામી રંગની હોય છે, જે ઔષધીય દ્રષ્ટિએ વધુ મહત્વ ધરાવે છે. બંને પ્રકારની એલચીના કદ, રંગ અને સ્વાદમાં તફાવત હોય છે. એક મહત્વનો તેજાનો એવી એલચીના આ બંને પ્રકારો ચોક્કસ પ્રકારનાં પોષક તત્વો, ફાઇબર (રેસા) અને તેલ ધરાવે છે, જે ઘણી બિમારીઓના ઉપચારમાં ઘણા અસરકારક ગણવામાં આવે છે. ખોરાકનો સ્વાદ, સુગંધ અને ગુણો વધારવા માટે એલચીનો વપરાશ કરવામાં આવે છે.
એલચીમાં રહેલાં પોષક તત્વો
બંને એલચીના રંગમાં તફાવત હોવા ઉપરાંત નાની લીલી એલચી અને મોટી બદામી રંગની એલચીના ગુણોમાં પણ તફાવત રહેલો છે અને તેમના વપરાશમાં પણ ભિન્નતા પ્રવર્તે છે. લીલી એલચી મીઠાઇ બનાવવામાં અને મોંની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે વપરાય છે. જ્યારે બદામી રંગની એલચીનો માત્ર તેજાના તરીકે જ ઉપયોગ કરવામાં આવતો હોય છે.
લીલી એલચીમાં રહેલાં પોષક તત્વો
તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, ડાયેટરી ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામીન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલાં હોય છે.
બદામી રંગની એલચીમાં રહેલાં પોષક તત્વો
તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, વિટામીન સી અને પોટેશિયમ અઢળક માત્રામાં રહેલાં છે.
બંને એલચી કેવી રીતે ફાયદાકારક છે?
નાની લીલી એલચી
લીલી એલચીમાં રહેલાં પોષક તત્વો પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે, પેટની ગરબડ ઘટાડે છે, એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી રાહત આપે છે.
ખાંસી અને ગળાના કફમાંથી રાહત મેળવવા માટે લીલી એલચીનું સેવન ફાયદાકારક છે.
બ્લડ પ્રેશર ઘટાડવા ઉપરાંત તે અસ્થમાના દર્દીઓ માટે પણ ઘણી ઉપયોગી છે.
લીલી એલચી આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે અને તે શરીરની ચયાપચયની ક્રિયા સુધારે છે અને ભૂખ વધારે છે.
એલચીનો માઉથ ફ્રેશનર તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.
આ ઉપરાંત ઉબકા અને ઊલટીની સમસ્યામાં પણ એલચી ઉપયોગી નીવડે છે.
એલચીયુક્ત ચા પીવાથી પેટ અને શ્વાસ સંબંધિત તકલીફોનું નિવારણ થાય છે અને સાથે જ તે તણાવ દૂર કરવામાં અને મૂડ સુધારવામાં પણ મદદરૂપ બને છે.
મોટી બદામી એલચી
બદામી રંગની એલચીનું સેવન કરવાથી હૃદયના ધબકારાને નિયંત્રિત કરી શકાય છે, જેના પરિણામે બ્લડ પ્રેશરનું પણ નિયમન થઇ શકે છે. આ ઉપરાંત, તે બ્લડ ક્લોટ થતું (લોહી ગંઠાતું) અટકાવે છે.
આ એલચી મોંનાં ઇન્ફેક્શન્સ અને દાંતના દુખાવામાં રાહત આપે છે. બદામી એલચીનો ઉપયોગ મોંના ચાંદા કે મોં અંદર થયેલી ઇજામાંથી છૂટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે.
બદામી એલચી મૂત્રવર્ધક ગુણો ધરાવે છે, જેના કારણે તે પેશાબમાં બળતરા થવી, યુરિનરી ટ્રેક્ટ (મૂત્રમાર્ગમાં) ઇન્ફેક્શન વગેરે જેવી પેશાબ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. આ ઉપરાંત કિડની માટે પણ તે લાભદાયક છે.
તે અસ્થમા અને ફેફસાંને લગતી શ્વાસોચ્છવાસની બિમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે અને શરદી-ખાંસીમાં પણ ઔષધનું કામ કરે છે.
તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નિકાળે છે.
બદામી એલચીના તેલની માલિશ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
આમ, સામાન્યપણે આપણે જેના પર ખાસ ધ્યાન નથી આપતા તેવો આ નાનો અમથો તેજાનો આપણા આરોગ્ય માટે ઘણો જ ફાયદાકારક છે અને આપણે આપણા દૈનિક આહારમાં પણ તેનો સમાવેશ કરી શકીએ છીએ. તમે ઘણી મીઠાઇઓમાં લીલી એલચીનો ભૂકો અને મસાલેદાર વાનગીઓમાં બદામી એલચીનો ભૂકો ઉમેરી શકો છો.