- શેરબજારમાં ઑલરાઉન્ડ લેવાલી
- અમેરિકાના ટોપ ફાઈવ CEO ભારતમાં રોકાણ કરવા આતુર
- માત્ર 8 મહિનામાં જ સેન્સેક્સમાં 10,000નો ઉછાળો
અમદાવાદ : શેરબજારમાં તેજીની બોલબોલા છે, વિદેશી ફંડ્સની સતત લેવાલીને કારણે તેજીવાળા ખેલાડીઓએ પણ નવી લેવાલી ચાલુ રાખી છે. પરિણામે આજે સપ્તાહના છેલ્લા દિવસે ઑલરાઉન્ડ બાઈંગ આવતાં સેન્સેક્સે 60,000ની સાયકોલોજીકલ સપાટી કૂદાવી દીધી હતી, અને નિફટી 18,000ની બિલકુલ નજીક ટ્રેડ કરતો રહ્યો હતો. આજે શુક્રવારે સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ બંધ રહ્યા હતા.
સેન્સેક્સે 60,000ની સપાટી કૂદાવી
BSE સેન્સેક્સે 60,000ની સપાટી કૂદાવી દીધી છે. આ બેન્ચમાર્ક ઈન્ડેક્સ આ વર્ષના જાન્યુઆરીમાં 50,000 હતો, માત્ર 8 મહિનાના ટૂંકાગાળામાં જ 10,000 પોઈન્ટનો અત્યાર સુધીનો સૌથી વધુ ભારેખમ ઉછાળો નોંધાયો છે.
સેન્સેક્સની ઐતિહાસિક સફર
- 25 જુલાઈ, 1990ની રોજ 1000 હતો
- 24 સપ્ટેમ્બર, 2021ના રોજ 60,000 થયો
- 1000થી 60,000 સુધીની સફરને 31 વર્ષ લાગ્યા
- 6, ફેબ્રુઆરી, 2006ના દિવસે 10,000 થયો
- 29 ઓકટોબર, 2007ના રોજ 20,000 થયો
- 4 માર્ચ, 2015ના રોજ 30,000 થયો
- 23 મે, 2019ના રોજ 40,000 થયો
- 21 જાન્યુઆરીના રોજ 50,000 થયો
- સેન્સેક્સમાં 163.11 પોઈન્ટનો ઉછાળો
BSE સેન્સેક્સ આગલા બંધ 59,885.36ની સામે આજે સવારે 60,158.76 ખૂલ્યો હતો, તે શરૂમાં ત્યાંથી ઝડપી ઉછળીને 60,333 ઑલ ટાઈમ હાઈ થઈ અને ત્યાંથી ઘટી 59,946.55 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 60,048.47 બંધ થયો હતો. જે 163.11(0.27 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
નિફટી 30.25 વધ્યો
NSE નિફટી આગલા બંધ 17,822.95ની સામે આજે સવારે 17,897.45 ખૂલ્યો હતો, જે એકતરફી વધી 17,947.65 લાઈફ ટાઈમ હાઈ થઈ અને ત્યાંથી ઘટી 17,819.40 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 17,853.20 બંધ થયો હતો. જે 30.25(0.17 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
ટોપ ફાઈવ CEO ભારતમાં રોકાણ કરવા આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, તેમણે ગઈકાલે ગુરૂવારે અમેરિકાના ટોપ ફાઈવ CEOને મળ્યા હતા, અને તેમને ભારતમાં રોકાણ કરવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું અને ભારતના ખુલ્લા બજાર અંગે ચર્ચા કરી હતી, જેથી અમેરિકાની ટોપ ફાઈવ કંપનીના CEOએ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક્તા દર્શાવી છે. જે સમાચારની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી. આથી જ તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી.
એક કરોડ નવા રોકાણકારો જોડાયા, 2 કરોડ ડીમેટ ખાતા ખૂલ્યા
ભારત હવે ફ્રાન્સને પાછળ રાખીને વિશ્વનું છઠ્ઠા નંબરનું સ્ટોક માર્કેટ બની ગયું છે. મુંબઈ શેરબજારે છેલ્લા 3 મહિનામાં જ 1 કરોડ જેટલા રોકાણકારોને જોડયા છે. ભારતીય શેરબજારમાં વિશ્વનીયતા વધી છે, અને હજી નવા રોકાણકારો જોડાતા જાય છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણનો પારો વધતો જઈ રહ્યો છે. પ્રાઈમરી માર્કેટમાં નવા નવા IPO આવી રહ્યા છે, તેમાં રોકાણ કરનારને સારામાં સારુ રીટર્ન મળી રહ્યું છે. આથી નવા ડીમેટ ખાતા પણ ખૂલી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં દેશમાં કુલ 2 કરોડ જેટલા નવા ડીમેટ ખાતા ખૂલ્યા છે.
માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વધારો
2001-02માં 6 લાખ કરોડથી વધુ રૂપિયાનું માર્કેટ કેપ હતું, તે 2010-11માં વધીને રૂપિયા 68,39,083 કરોડ થયું હતું. અને હવે તે વધુ વધીને રૂપિયા 2,61,73,374 કરોડ થયું છે. આમ રોકાણકારોની વેલ્થમાં સતત વધારો થયો છે.
FII નેટ બાયર
સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો વિદેશી ફંડોએ 23 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ રૂપિયા 6695 કરોડનું નવું રોકાણ કર્યું છે. ઓગસ્ટમાં FII એ રૂપિયા 4,640 કરોડનું નવું બાઈંગ કર્યું હતું. આમ FII નેટ બાયર રહી છે. જેને કારણે જ શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું છે.
DII પણ નેટ બાયર
સ્થાનિક નાણાં સંસ્થાઓની વાત કરીએ તો સ્થાનિક નાણાં સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડોની પણ ખરીદી ચાલુ જ રહી છે. 23 સપ્ટેમ્બર, 2021 સુધી જોઈએ તો DIIએ રૂપિયા 1546 કરોડનું નેટ રોકાણ કર્યું છે. ઓગસ્ટમાં રૂ.6,894 કરોડનું રોકાણ કર્યું હતું અને તેની અગાઉના મહિનામાં જુલાઈમાં રૂ.18,393 કરોડનું રોકાણ કર્યું હતું.
માર્કેટમાં લીકવીટીને લઈને કોઈ ચિંતા નથીઃ વેલ્થસ્ટ્રીટ
વેલ્થસ્ટ્રીટના કો- ફાઉન્ડર અજય સરાઓગીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં તેજીનો દોર અકબંધ છે. સપ્તાહની શરૂમાં નેગેટિવ ઓપનીંગ બાદ અંતિમ બે સત્રોમાં માર્કેટ પર ફરી બુલ્સની પકડ મજબૂત બની હતી. ટેકનિકલી 18,000 અને ત્યારબાદ 18,500 સુધીના ટાર્ગેટ્સ જોવામાં આવી રહ્યાં છે. માર્કેટમાં તેજીની આગેવાની NBFC, IT અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે છે. જ્યારે મેટલ્સ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. રિઅલ્ટી ક્ષેત્રે બે સત્રોમાં મોટી તેજી જોવા મળી ચૂકી છે. લોંગ ટર્મ માટે ભારતીય શેરબજાર હજુ પણ રોકાણ માટે આકર્ષક છે. માર્કેટમાં પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ આઉટપર્ફોર્મર જણાય રહ્યાં છે. તેઓએ નિફ્ટીને નોંધપાત્ર સપોર્ટ પણ પૂરો પાડ્યો છે. મારી દ્રષ્ટીએ ઘટાડે PSU શેર્સમાં ખરીદી જાળવી રાખવી જોઈએ. તેઓ માર્ચ મહિના સુધી બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે. આઈટી ક્ષેત્રે તેજીનો ચરુ ઉકળી રહ્યો છે અને તેમાં પસંદગીના કાઉન્ટર્સમાં હજુ વધુ સુધારાની જગ્યા છે. ફાર્મા ક્ષેત્ર સાઈડલાઈન જણાય છે. જોકે તેમાં અન્ડરકરંટ મજબૂત છે અને તેથી એક્યૂમ્યૂલેશન કરતાં રહેવું જોઈએ. US ફેડ દ્વારા ટેપરિંગને લઈને નિવેદન બાદ બજારોમાં તેજી સૂચવે છે કે માર્કેટ લિક્વિડીટીને લઈને ચિંતિત નથી. ભારતીય બજારને સ્થાનિક લિક્વિડીટીનો પણ મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. માર્કેટ ટોચ પર હોવા છતાં ક્યાંય કોઈ ગભરાટ જોવા મળી રહ્યો નથી.
સેન્સેક્સમાં 17,400નો મજબૂત સપોર્ટઃ ટ્રેડબુલ્સ
ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડીરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સપ્તાહ દરમિયાન સ્માર્ટ મૂવને જોતાં નિફ્ટીએ 18,000ના ટાર્ગેટને જાળવી રાખ્યો છે. જે સાપ્તાહિક ધોરણે રાઈઝિંગ ચેનલ પેટર્નનો અપર એન્ડ છે. અપર એન્ડ અને વર્તમાન સ્તર વચ્ચેની વધતી નજદીકી નવા લોંગ પર રિવોર્ડ-ટુ-રિસ્કની તકને સાંકડી બનાવે છે. બજારને સપોર્ટ ઊચકાઈને 17,400 પર જોવા મળી રહ્યો છે. આમ બજારમાં ઘટાડાની રાહ જોઈ આ લેવલ નજીક ખરીદી કરવી જોઈએ. જેનો સ્ટોપલોસ 17,270નો રાખવો જોઈએ.
આ પણ વાંચો: