રાજસ્થાન : દશેરાના પર્વ પર સમગ્ર ભારતમાં લંકાપતિ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાજસ્થાનના જોધપુરમાં પણ રાવણદહન કરવામાં આવશે. પરંતુ રાવણદહન જ્યાં થશે ત્યાંથી 5 કિમી દૂર ચાંદપોલ પાસે કેટલાક લોકો રાવણ માટે શોક મનાવશે, કારણ કે તેઓ રાવણના વંશજ તરીકે ઓળખાય છે. જોધપુરના શ્રીમાળી ગોધા બ્રાહ્મણ પોતાને રાવણના વંશજ માને છે. તેથી જ તેઓ દશેરાના દિવસે શોક મનાવે છે.
લંકાપતિ રાવણનું મંદિર : શ્રીમાળી ગોધા બ્રાહ્મણ રાવણને મહાન વિદ્વાન માને છે. ઉપરાંત તેઓએ રાવણની યાદમાં મંદિર પણ બનાવવામાં આવ્યું છે. દશેરાના દિવસે રાવણના મંદિરમાં પૂજા પણ કરવામાં આવે છે. જોધપુરના કિલા રોડ પર સ્થિત મંદિરમાં રાવણ અને મંદોદરીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ પણ ગોધા ગોત્રના શ્રીમાળી બ્રાહ્મણોએ કરાવ્યું હતું. જ્યારે શહેરમાં રાવણના પુત્રોના પૂતળાનું દહન થાય છે, ત્યારે બધા અહીં સ્નાન કરે છે. તેઓ તેમની પવિત્ર જનોઈને પણ બદલી નાખે છે. ત્યારબાદ અહીં પૂજા કરવામાં આવે છે, ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ રોજ પૂજા કરવામાં આવે છે.
રાવણના વંશજ : આ અંગે પંડિત કમલેશકુમારે જણાવ્યું હતું કે, અમે ગોધા ગોત્રના લોકો રાવણના વંશજો છીએ, અને ક્યારેય રાવણ દહન જોઈ શકતા નથી. કારણ કે તેઓ અમારા પૂર્વજ છે. અશ્વિની માસની દશમના દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. અમે આ દિવસે શોક કરીએ છીએ. આ જ કારણ છે કે કોરોનાના બે વર્ષ દરમિયાન રાવણદહન નથી કરવામાં આવ્યું, પરંતુ ગોધા ગોત્રના લોકોએ શોક મનાવ્યો હતો.
ગોધા ગોત્રના શ્રીમાળી બ્રાહ્મણ : પંડિત કમલેશકુમારના જણાવ્યા અનુસાર રાવણના પૂતળાને બાળ્યા બાદ સ્નાન કરવું ફરજિયાત છે. પહેલાના સમયમાં જ્યારે જળાશયો હતા ત્યારે આપણે બધા ત્યાં નહાતા હતા. પરંતુ હવે ઘરની બહાર સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ જનોઈ બદલીને મંદિરમાં રાવણ અને શિવની પૂજા કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન દેવી મંદોદરીની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. એક ખાસ વાત મુજબ ગોધા ગોત્રના લોકો ક્યારેય રાવણનું દહન જોતા નથી. તેઓના મતે રાવણ ખૂબ જ જ્ઞાની હતો. તેની પાસે ઘણા બધા સારા ગુણ અને વાતો હતી જેને ગોધા ગોત્રના લોકો અનુસરે છે. આ રીતે રાવણ માટે શોક મનાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે.
પૌરાણિક માન્યતા : એવું માનવામાં આવે છે કે માયાસુરે બ્રહ્માના આશીર્વાદથી અપ્સરા હેમા માટે મંડોર શહેર બનાવ્યું હતું. બંનેએ પોતાની બાળકીનું નામ મંદોદરી રાખ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર મંડોર નગરનું નામ મંદોદરી પરથી પડ્યું છે. મંદોદરી ખૂબ જ સુંદર હતી, પરંતુ મંદોદરી માટે યોગ્ય વર મળતો નહોતો. આખરે મંદોદરી માટે યોગ્ય વરની શોધ રાવણ પર સમાપ્ત થઈ. લંકાના રાજા લંકાધિપતિ રાવણ માત્ર એક મહાન રાજા જ નહીં પરંતુ પ્રતિભાશાળી વિદ્વાન પણ હતા. એવું કહેવાય છે કે જ્યારે રાવણના લગ્ન મંદોદરી સાથે થયા ત્યારે ગોધા ગોત્રના લોકો લંકાથી લગ્નમાં મહેમાન બનીને આવ્યા હતા. તેમાંથી કેટલાક લોકો ત્યાં જ રોકાઈ ગયા હતા. તેમણે રાવણના મંદિરમાં રાવણની સાથે મંદોદરીની મૂર્તિ સ્થાપિત કરી છે.