- ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં આવેલા લેન્કો પાવર પ્લાન્ટની ઘટના
- 600 મેગાવૉટનાં યુનિટ નંબર 2માં ચાલી રહ્યું હતું મેઈન્ટેનન્સનું કામ
- 8 શ્રમિકોને સારવાર બાદ રજા અપાઈ, અન્ય 5ને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયા
સોનભદ્ર: અનપરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લેન્કો પાવર પ્લાન્ટમાં રવિવારે વહેલી સવારે બોઇલરનું માળખું તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં બોઈલરના રિનોવેશનના કામ સાથે સંકળાયેલા 13 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અનપરા પ્રોજેક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી 5ની હાલત ગંભીર હોવાથી તેમને મધ્યપ્રદેશની સરહદમાં આવેલા જયંત સ્થિત પ્રોજેક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની પુષ્ટિ કરતા અનપરા લેન્કો પ્રોજેક્ટના સત્તાધીશો દ્વારા પોલીસને કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે.
આ પણ વાંચો: જામનગરના GIDC ફેઝ-2ના કામખાનામાં ફાટ્યું બોઈલર, 2 ઈજાગ્રસ્ત
બોઇલરનું ચાલી રહ્યું હતું મેઈન્ટેનન્સ, તે સમયે જ સર્જાયો અકસ્માત
અનપરા વિસ્તારમાં આવેલા લેન્કો પાવર પ્રોજેક્ટમાં રવિવારે વહેલી સવારે 600 મેગાવૉટનાં યુનિટ નંબર 2માં મેઈન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. જેથી તેને બંધ રાખવામાં આવ્યું હતું. મેઈન્ટેનન્સની કામગીરી દરમિયાન બોઈલરનું માળખું ધરાશાયી થતા કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 13 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રોજેક્ટના વહીવટીતંત્ર દ્વારા પોલીસને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 8 શ્રમિકોને સારવાર બાદ રજા આપી દેવાઈ છે. 5ની હાલત ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: દહેજની રસાયણ ફેક્ટરીમાં બ્લાસ્ટઃ NGTએ કંપનીને 25 કરોડનો દંડ ફટકાર્યો
બનાવ બાદ શ્રમિકોએ મચાવ્યો હોબાળો
અકસ્માતની આ ઘટના બાદ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેમણે મુખ્ય લેન્કો પ્રોજેક્ટનો મેઈન ગેટ બંધ કરી દીધો હતો અને તમામ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. લાંબા સમયથી મેઈન ગેટ પાસે ઉભા રહેલા શ્રમિકોને સત્તાધીશો તરફથી યોગ્ય જવાબ ન અપાતા તેમણે ગેટ પર જ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. પોલીસ અધિક્ષક અમરેન્દ્ર પ્રસાદસિંહે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઈજા પામેલા 8 શ્રમિકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. ગંભીર રીતે ઈજા પામેલા 5 કામદારોની સારવાર ચાલી રહી છે. કાટમાળ નીચે અન્ય કોઈ શ્રમિક ફસાયેલો હોવાની સંભાવના નહિવત છે.
મુખ્યમંત્રીએ ઘટનાની નોંધ લીધી, વહીવટી તંત્રને આપી સૂચના
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોનભદ્રના અનપરામાં લેન્કો પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટની ઘટનાની નોંધ લીધી છે. તેમણે આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્રને સૂચના આપી છે કે, ઘટનાસ્થળે જઇને રાહત કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર કરાવવામાં આવે. કોઈપણ પ્રકારની અરાજક્તા ન હોવી જોઈએ. તેમણે ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવને આ ઘટનાની તપાસ કરવા તેમજ જવાબદારી નક્કી કરવા આદેશ આપ્યો છે અને તપાસ રિપોર્ટના આધારે તાત્કાલિક અસરકારક પગલા લેવા સૂચના આપી છે