નવી દિલ્હીઃ ઈન્ડિયા ગઠબંધનની 14 સભ્યોની કોઓર્ડિનેશન કમિટિ દિલ્હીમાં મળી રહી છે ત્યારે વિરોધી એવી ભાજપમાં પણ બેઠકનો દોર જામ્યો છે. ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટિની બેઠક આજે મળી છે. જેમાં અત્યંત મહત્વના એવા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોના ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ નક્કી કરવામાં આવશે.
મીટીંગમાં દિગ્ગજો જોડાયાઃ ભાજપ સીઈસી બેઠકમાં વડાપ્રધાન મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ કોર કમિટિના અન્ય મેમ્બર્સ પણ જોડાયા છે. ઓગસ્ટ મહિનામાં ભાજપે મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવાર અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. આ બંને રાજ્યોની ચૂંટણીમાં હવે કયા ઉમેદવારોને ટિકિટ આપવી તેની યાદી તૈયાર કરવા માટે આજે મીટિંગ યોજાઈ છે. પાર્ટીના સૂત્રો જણાવે છે કે મધ્યપ્રદેશમાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિજય બધેલને બેન્ચ સ્ટ્રેન્થમાં રાખવામાં આવશે.
ઉમેદવારોની વિશ્વસનિયા પર ચર્ચાઃ સોમવારે બપોરે જ મધ્ય પ્રદેશ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, પાર્ટી અધ્યક્ષ વી. ડી. શર્મા અને સ્ટેટ જનરલ સેક્રેટરી હિતાનંદ શર્મા દિલ્હી જવા રવાના થયા હતા. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ઉમેદવારોની બીજી યાદીમાં એવા ઉમેદવારોને સ્થાન આપવામાં આવશે કે જેમના નામની જાહેરાત થયા બાદ પાર્ટી પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય. પ્રિ ઈલેક્શન પોલમાં ભાજપને વધુ મળે તેવા રીઝલ્ટ આવે. માત્ર તેવા ઉમેદવારોને જ આ યાદીમાં સામેલ કરવાની ગણતરી સીઈસી કરી રહી છે.
જીતની સંભાવના ધ્યાને લેવાઈઃ મધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભા અને છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા છે. તેથી ભાજપ આ બંને રાજ્યોમાં ચૂંટણી સંદર્ભે કોઈ કસર છોડવા માંગતી નથી. વડાપ્રધાન મોદી અને અન્ય શીર્ષ નેતાગણ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં ભાજપના નેતાઓની કાર્યશૈલી પર બારીક નજર રાખી રહ્યા છે. તેઓ ઉમેદવારોને મળતા પ્રતિભાવો અને તેમની જીતવાની સંભાવના પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે.
નબળી બેઠકો પર વધુ ધ્યાન અપાયુંઃ ભાજપ દ્વારા જમીની સ્તર પર સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ગઈ વિધાનસભા ચૂંટણી દરમિયાન જે બેઠકો પર ભાજપનો નબળો દેખાવ રહ્યો હતો તેના પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું છે.