હૈદરાબાદઃ બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે. રાજકીય અગ્રણીઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યુ છે અને મોદી સરકારની ટીકા કરવાની તક ઝડપી લીધી છે. ઈટીવી ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે આપણે દરેકે સુપ્રીમ કોર્ટના આ મહત્વના ચુકાદાનું સ્વાગત કરવું જોઈએ.
નેશનલ કોન્ફરન્સના સુપ્રીમોએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ આપણા બંધારણની રક્ષા કરતી સર્વોચ્ચ સંસ્થા છે. મને આશા છે કે ગુજરાત સરકાર આ મામલે ધ્યાન આપશે. કૉંગ્રેસના માઈનોરિટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. આ ચુકાદો માત્ર ગુજરાત સરકાર માટે જ નહિ પરંતુ કેન્દ્ર સરકાર માટે પણ શરમજનક બાબત છે.
પ્રતાપગઢીએ કહ્યું કે, ગુજરાત વડા પ્રધાન મોદીનું હોમ સ્ટેટ છે. જે દિવસે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી મહિલા સશક્તિકરણ પર ભાષણ આપ્યું તેના 2 કલાકની અંદર જ ગુજરાત સરકારે આ 11 બળાત્કારીઓને છોડી દીધા હતા. આ ગુનેગારોનું ફુલમાળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવ્યો હતો.
પ્રતાપગઢી આગળ જણાવે છે કે, મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ મામલે વડા પ્રધાનના દાવા ખોખલા છે. સમગ્ર દેશમાં હાથરસ, ઉન્નાવ, મહિલા કુશ્તીબાજો થતા બનાવોથી સાબિત થાય છે કે દેશમાં મહિલાઓને કેન્દ્ર સરકારથી કોઈ આશા નથી.
આજના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ મહિલાઓમાં એક આશા જગાવી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાજ્યમાં 2002ના કોમી હુલ્લડો દરમિયાન બિલકિસ બાનો સાથે સામુહિક બળાત્કાર અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા મામલે 11 ગુનેગારોને સજામાં છુટ આપતા ગુજરાત સરકારના ચુકાદાને રદ કર્યો હતો. બિલકિસ બાનો 21 વર્ષની હતી અને 5 મહિનાનો ગર્ભ ધરાવતી હતી, જ્યારે ગોધરા ટ્રેન કાંડ થયો હતો. જેમાં બિલકિસ બાનો સાથે આ દુર્ઘટના ઘટી હતી. આ દરેક 11 ગુનેગારોને 15 ઓગસ્ટ 2022ના રોજ સજા માફી આપી છોડી દેવામાં આવ્યા હતા. જેનાથી વિપક્ષ જ નહિ નાગરિકોમાં પણ રોષ ફેલાયો હતો.