બેતિયાઃ પશ્ચિમી ચંપારણ જિલ્લાના યોગાપટ્ટી પંથકના બૈરાગી સિસવા પંચાયતમાં લોકો પંચાયતના વોર્ડ અને પંચના પદ પર ચૂંટણી લડવાનું ટાળે છે. આ ગામમાં અંધશ્રદ્ધા છે કે જે વ્યક્તિ ચૂંટણી લડે તેનું અથવા તેની પત્નીનું મૃત્યુ થઈ જાય છે. તેના લીધે આ પંચાયતના પંચ અને વોર્ડના પદ ખાલી રહે છે.
અહીં 28 ડિસેમ્બરે પંચાયતની ઉપચૂંટણી થવાની છે. જેમાં એકપણ પુરુષ ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી. આ ગામના લોકો જણાવે છે કે જે લોકો ચૂંટણી લડે છે તેમનું કે તેમની પત્નીનું ચૂંટણી બાદ મૃત્યુ થઈ જાય છે. આ ભ્રમ, અંધશ્રદ્ધા કે ભયને લીધે અહીં કોઈ ચૂંટણી લડવાની હિંમત કરતું નથી.
ભૂતપૂર્વ વોર્ડના સભ્યની પત્ની પણ મૃત્યુ થયું હતું. હીરામન યાદવ અહીંના પૂર્વ વોર્ડ સભ્ય રહી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે આ વોર્ડના સભ્ય તરીકે જે ચૂંટણી લડે તેની પત્નીનું મૃત્યુ થઈ જાય છે. આ પદો અતિ પછાત વર્ગ માટે અનામત છે જેને જનરલ કેટેગરીમાં લાવી દેવા જોઈએ જેથી બીજા લોકો ચૂંટણી માટે ફોર્મ ભરી શકે. અતિ પછાત વર્ગના લોકો આ વોર્ડમાં સભ્ય કે પંચ તરીકે ચૂંટણી લડવા માટે તૈયાર નથી થતા. દરેકને પોતાની પત્નીના મૃત્યુનો ડર સતાવે છે.
આ અંધશ્રદ્ધા લગભગ 15 વર્ષથી ફેલાઈ છે. જ્યારે પણ કોઈ ચૂંટણી લડે ત્યારે તેનું અથવા તેની પત્નીનું મૃત્યુ થઈ જાય છે. વોર્ડ નંબર 3ના ઉપ સરપંચ જણાવે છે કે સતત 3 વાર વોર્ડમાં ચૂંટણી થઈ હતી અને ત્રણેય સભ્યોની પત્નીનું મૃત્યુ થયું હતું. આ કારણથી કોઈપણ પુરુષ આ વોર્ડ માટે ચૂંટણી લડવા તૈયાર નથી. તેથી જ વોર્ડના પંચ અને સભ્યનું પદ હંમેશા ખાલી રહે છે. છેલ્લી વાર કોમલ શાહ નામના વ્યક્તિએ ચૂંટણી લડી હતી તેની પત્ની ચૂંટણીના અંતિમ સમયમાં જ મૃત્યુ પામી હતી. આ અંધશ્રદ્ધા નથી પણ સત્ય છે. બે ચાર લોકોએ ચૂંટણી લડી અને તેમની પત્ની મૃત્યુ પામી હતી.
બૈરાગી સિસવા પંચાયતના અગ્રણી એવા કેદાર રામ જણાવે છે કે વોર્ડ અને પંચની ચૂંટણી માટે કોઈ પુરુષ ફોર્મ ભરતો નથી. જે ઉમેદવાર તૈયાર થાય તેની પત્ની અથવા તેનું અકાળે અવસાન થાય છે. આ અફવા કે અંધશ્રદ્ધાને પરિણામે કોઈ ચૂંટણી લડતું નથી. મેં લોકોને ઘણા સમજાવ્યા પણ કોઈ ચૂંટણી લડવા તૈયાર નથી. તંત્ર પણ આ અંધ વિશ્વાસ વિરુદ્ધ કોઈ અભિયાન ચલાવતું નથી. જો કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધાની પરે જઈને પોતાનું નામ નોંધાવે તો પત્ની તેને આમ કરતા રોકે છે. તેથી જ પંચાયત હસ્તકના વિકાસકાર્યોને અસર થઈ રહી છે.
આ ઘટનાક્રમ સતત ચાલતો આવે છે. સૌથી પહેલા વ્યાસ શર્માની પત્ની મૃત્યુ પામી ત્યારબાદ મેનેજર યાદવની પત્ની નગીના દેવી મૃત્યુ પામી. હીરામન યાદવ ચૂંટણી લડ્યો તો તેની પત્ની પાસપતિ દેવીનું મૃત્યુ થયું. રવિંદર શાહની પત્ની રઘુમીની દેવી પણ મૃત્યુ પામી હતી. જો કે આ કિસ્સામાં પત્ની રઘુમીની દેવી ચૂંટણી લડી હતી. રામચંદ્ર ઠાકુર વોર્ડના સભ્ય તરીકે ચૂંટણી જીત્યા ત્યારે તેમની પત્ની પણ મૃત્યુ પામી હતી. આ સીલસીલો યથાવત જ રહ્યો હોવાથી ગ્રામ્યજનોમાં ભય ફેલાઈ ગયો છે.