પટણાઃ ટ્રાન્સજેન્ડર્સે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો નનૈયો ભણ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ટ્રાન્સજેન્ડર્સને સરકાર અલગ લાભ આપી શકે છે પરંતુ તેમની અલગ જાતિ બનાવી શકાય નહીં.
ટ્રાન્સજેન્ડર્સની અલગ જાતિ માટે માંગણીઃ ઉલ્લેખનીય છે કે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ટ્રાન્સજેન્ડર્સ દ્વારા યાદીમાં સમાવેશ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ટ્રાન્સજેન્ડર્સે પોતાના માટે એક અલગ જાતિની માંગણી કરી હતી. પટણા હાઈ કોર્ટે ટ્રાન્સજેન્ડર્સની આ અરજી ફગાવી દીધી હતી અને સુનાવણી માટે ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ ટ્રાન્સજેન્ડર્સ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે પણ પટણા હાઈ કોર્ટની કાર્યવાહીને માન્ય રાખીને અરજી ફગાવી દીધી છે.
ટ્રાન્સજેન્ડર્સની સંખ્યાઃ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ 2 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં બિહારના ટ્રાન્સજેન્ડર્સની સંખ્યા 825 જણાવાઈ હતી. જેમાં ટ્રાન્સજેન્ડર્સને કોલમ 22માં રાખવામાં આવ્યા હતા. આ રિપોર્ટ અનુસાર 0.0006 ટકા ટ્રાન્સજેન્ડર્સ છે. આ રિપોર્ટનો ટ્રાન્સજેન્ડર્સે વિરોધ કર્યો હતો.
પટણા હાઈ કોર્ટે અરજી ફગાવી હતીઃ અગાઉ ટ્રાન્સજેન્ડર્સે પટણા હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાન્સજેન્ડર્સનું કહેવું છે કે 2011ની વસ્તી ગણતરીમાં બિહારમાં ટ્રાન્સજેન્ડર્સની સંખ્યા 42000 હતી જ્યારે આ વસ્તી ગણતરીમાં 825 જેટલી સંખ્યા નોંધાઈ છે. પટણા હાઈ કોર્ટે ટ્રાન્સજેન્ડર માટે અલગ જાતિની માંગ કરી હતી. હાઈ કોર્ટે આ અરજી ફગાવી હતી અને સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. ટ્રાન્સજેન્ટર્સે પટણા હાઈ કોર્ટની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ પટણા હાઈ કોર્ટની જેમ ટ્રાન્સજેન્ડર્સની અરજી ફગાવી દીધી છે.