નવી દિલ્હી/ પટનાઃ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે. જે સંદર્ભે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં વધુ એક એફિડેવિટ ફાઈલ કરી છે. આ એફિડેવિટમાં પેરેગ્રાફ 5ને દૂર કરાયો છે. જેમાં કેન્દ્રનું માનવું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી માત્ર કેન્દ્ર સરકાર જ કરાવી શકે છે. રાજ્ય સરકાર આ કાર્ય કરાવી શકે નહીં.
કેન્દ્ર સરકારની નવી એફિડેવિટઃ સોમવારે કેન્દ્ર સરકારે જે નવી એફિડેવિટ રજૂ કરી તેમાં અગાઉની એફિડેવિટમાં સુધારા કરાયા હતા. અગાઉની એફિડેવિટમાં કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસતી ગણતરી કરી શકે છે તેમજ વસતી ગણતરીની જાહેરાત પણ કરી શકે છે. તેમજ કયા આધાર પર વસતી ગણતરી કરવામાં આવે છે તે કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે. તેવો ઉલ્લેખ હતો.
વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરીઃ જ્યારે બિહાર સરકારે કોર્ટમાં વસતી ગણતરી નથી કરી રહ્યા પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરીએ છીએ તેવું જણાવ્યું હતું ત્યારે કેન્દ્ર સરકારે અગાઉની એફિડેવિટ શા માટે રજૂ કરી તેવો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ભાજપ અને કેન્દ્ર સરકાર પર બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ન થાય તે માટે કાવાદાવાનો આક્ષેપ કર્યો હતો. હવે કેન્દ્ર સરકારે નવી એફિડેવિટ રજૂ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે.
જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઘટના ક્રમ
- 27 ફેબ્રુઆરી 2020માં બિહાર વિધાનસભામાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરાયો
- 21 ઓગસ્ટ 2021ના રોજ નીતિશ કુમાર 10 પક્ષોના નેતા સાથે વડાપ્રધાન મોદીને મળ્યા
- 2 જૂન 2022ના રોજ જાતિ આધારિત વસ્તી ગણતરી સંદર્ભે સર્વપક્ષીય બેઠક મળી
- 2 જૂન 2022ના રોજ કેબિનેટમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને મંજૂરી અપાઈ અને 500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ
- 9 જૂન 2022ના રોજ બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી
- 1 માર્ચ સુધી વસ્તી ગણતરી પૂર્ણ કરવાનું નક્કી કરાયું પરંતુ એપ તૈયાર ન હોવાથી આ અવધિ 15 મે સુધી લંબાવવામાં આવી
- પહેલા ચરણની વસતી ગણતરીનું કામ 7 જાન્યુઆરી 2023થી 21 જાન્યુઆરી 2023 સુધી ચાલ્યું
- 15 એપ્રિલના રોજ બીજા ચરણની વસ્તી ગણતરી શરૂ થઈ જે 15 મેના રોજ સમાપ્ત થવાની હતી
- 4 મેના રોજ પટના હાઈકોર્ટે વસ્તી ગણતરી રોકવા માટેનો વચગાળાનો આદેશ જાહેર કર્યો, આગામી સુનાવણી 3 જુલાઈએ જાહેર કરી
- 5 મેના રોજ બિહાર સરકારે સુનાવણી સત્વરે કરવા અરજી કરી જેના પર કોર્ટે સુનાવણી 9 મેના રોજ કરવાનું નક્કી કર્યુ
- 9મેના રોજ સુનાવણી દરમિયાન પટના હાઈકોર્ટે બિહાર સરકારની અરજી રદ કરી દીધી
- 10મેના રોજ બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
- 17મેના રોજ જસ્ટિસ સંજય કરોલે 18મેના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યુ
- 18મેના રોજ સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને કોઈ રાહત આપી નહીં અને પટના હાઈકોર્ટમાં જવા કહ્યું
- 3 જુલાઈએ પટના હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ. 1 ઓગસ્ટના રોજ પટના હાઈકોર્ટે બધી જ અરજી રદ કરી દીધી
- અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, સુપ્રીમ કોર્ટે વસ્તી ગણતરી પર રોક લગાવવા પર મનાઈ ફરમાવી દીધી
- 28 ઓગસ્ટે વસ્તી ગણતરી મુદ્દે કેન્દ્ર સરકારે એફિડેવિટ રજૂ કરી. જેમાં કહ્યું કે રાજયને વસતી ગણતરીનો અધિકાર નથી
- જાતિ આધારિત વસ્તી ગણતરીના બંને ચરણ પૂર્ણ થઈ ગયા છે હવે ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે
જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ઘણીવાર ગુંચ પડી છેઃ ઉલ્લેખનીય છે કે જાતી આધારિત વસ્તી ગણતરી કાયદાકીય ગુંચમાં ફસાઈ છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી. પ્રથમ ચરણમાં મકાનોનો સર્વે થયો. 15 એપ્રિલે ગણતરીનું બીજું ચરણ શરૂ થયું. બીજા ચરણ પર પટના હાઈકોર્ટે રોક લગાવી હતી. બિહાર સરકારે પટના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. તો સુપ્રીમે ફરીથી પટના હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. જ્યાં 1 ઓગસ્ટના રોજ દરેક અરજી રદ કરવામાં આવતા રાહત મળી. અત્યારે જાતિ આધારિત વસતી ગણતરીનું કામ પૂરૂ થઈ ગયું છે અને ડેટા એન્ટ્રી ચાલી રહી છે.