બિહાર : ઔરંગાબાદમાં એક દુકાન પાસે કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. દુકાનદારે કાર પાર્ક કરવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા કાર ચાલકે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકો કારમાં સવાર ત્રણ લોકો પર તૂટી પડ્યા હતા. નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના તેતરિયા વળાંક પાસે બનેલી મોબ લિંચિંગની આ ઘટનામાં ત્રણેય લોકોના મોત થયા છે.
ઔરંગાબાદમાં મોબ લિંચિંગ : મળતી માહિતી અનુસાર નવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના તેતરિયા વળાંક પાસેની એક દુકાન પાસે કાર સવારે પોતાની કાર પાર્ક કરી હતી. દુકાન પાસે કાર ઉભી રાખતા જ દુકાનદારે કાર સવારને તાત્કાલિક ત્યાંથી વાહન હટાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કાર ચલાવી રહેલા યુવકે દુકાનદાર પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં દુકાનદાર તો બચી ગયો પરંતુ તેની બાજુમાં બેઠેલા એક વ્યક્તિને ગોળી વાગી અને તેનું મોત થયું હતું. મૃતકની ઓળખ પોલીસ સ્ટેશન વિસ્તારના મહુઆરી ગામના રહેવાસી રામ શરણ ચૌહાણ તરીકે થઈ છે.
હું ઘટનાસ્થળે પહોંચ્યા પછી પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યો છું. હાલ ઘટનાના દરેક મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે. -- મોહમ્મદ અમાનુલ્લા ખાન (સદર SDPO)
કારમાં કોણ હતા ? ઉલ્લેખનીય છે કે આ કારમાં કુલ 5 લોકો સવાર હતા. ગ્રામજનોએ ઢોર માર મારતા તેમાંથી ત્રણ લોકોનું મોત થયું હતું. જ્યારે 2 વ્યક્તિની હાલત અત્યંત નાજુક છે. કારમાં સવાર ઝારખંડના પલામુના રહેવાસી હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલામાં હૈદરનગરના રહેવાસી મોહમ્મદ અરમાન, મોહમ્મદ અંજાર અને મોહમ્મદ મુજાહિરનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં મોહમ્મદ વકીલ અને અજીત શર્માની હાલત નાજુક છે.
એક સાથે ચાર મોત : આ ઘટના બાદ સ્થાનિક લોકો ગુસ્સે થઈ ગયા અને કારમાં બેઠેલા ચાર યુવકોને ઢોર માર માર્યો હતો. મારપીટ એટલી ભયાનક હતી કે બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ઉપરાંત અન્ય એક યુવકની સારવાર હજુ ચાલુ છે.
તમામ કારસવાર ઝારખંડના રહેવાસી : કારમાં સવાર મૃતકોની ઓળખ ઝારખંડના પલામુ જિલ્લાના હૈદરનગરના રહેવાસી તરીકે કરવામાં આવી છે. આ લોકો સાસારામમાં શેરશાહ સૂરીની સમાધિના દર્શન કરવા કારમાં જઈ રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ નબીનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનોજકુમાર પાંડે ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ બાબતની જાણ સદર SDO મોહમ્મદ અમાનુલ્લા ખાનને કરી હતી. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.