કાનપુરઃ કાનપુર નજીક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, વિકાસને ગોળી વાગતા વધુ રક્તસ્રાવ થયો હતો અને આઘાત લાગતા મોત થયું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વિકાસ દુબે પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ત્રણ ગોળીઓ તેના શરીરની આરપાર ચાલી ગઈ હતી. એ સૂચવે છે કે વિકાસને નજીકના અંતરેથી મારવામાં આવ્યો હતો. જો કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તે બહાર આવ્યું નથી કે, એસટીએફએ તેના પર કેટલું ફાયરિંગ કર્યું હતું. તમને જણાવી દઇએ કે, વિકાસના એન્કાન્ટર અને મોત પર અનેક સવાલો થયાં હતાં. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, ગેંગસ્ટર વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યા બાદ તેના પર ગોળીબાર કરાયો હતો.
વિકાસ દુબેના શરીર પર 10 ઘા
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં વિકાસ દુબેના શરીર પર 10 ઘા જોવા મળ્યાં હતાં. જેમાંથી 6 ઘા 3 ગોળીઓ દ્વારા થયા છે. બાકીના ચાર ઘા પણ ગોળી વાગવાથી જ પડ્યા છે. રિપોર્ટ અનુસાર, વિકાસ દુબેને પહેલી ગોળી જમણા ખભામાં વાંગી હતી અને અન્ય બે ગોળીઓ છાતીના ડાબા ભાગે વાંગી હતી. આ સિવાય વિકાસ દુબેના જમણા ભાગમાં માથા, કોણી, પાંસળી અને પેટને ઈજાઓ થઈ છે. તમને જણાવી દઈએ કે, પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબેના પોસ્ટ મોર્ટમ પહેલા કોરોના ટેસ્ટ કરાયો હતો. જો કે, વિકાસની કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
ફોરેન્સિક નિષ્ણાતના જણાવ્યા મુજબ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દસ ઇજાઓનો ઉલ્લેખ છે. જેમાં છ ઈજામાં ગોળીના નિશાન છે. એટલે કે, ત્રણ ગોળીઓ મારવામાં આવી હતી. એસટીએફએ એન્કાઉન્ટરમાં દાવો કર્યો હતો કે, વિકાસે અમારી ઉપર ફાયરિંગ કર્યું હતું અને અમે જવાબી ફાયરિંગ કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બ્લેક હોવાનો ઉલ્લેખ નથી. જેથી બુલેટ કેટલી નજીકથી ચલાવાઈ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક એન્કાઉન્ટરમાં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર વિકાસ દુબેનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, એએસટીએફની ટીમ વિકાસને ઉજ્જૈનથી કાનપુર લાવી રહી હતી ત્યારે કાનપુર નજીક એસટીએફનું વાહન પલટી મારી ગયું હતું. આ પછી વિકાસ દુબે પોલીસની પિસ્તોલ લઇને ભાગ્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહી વિકાસ દુબેનું મોત થયું હતું. આ અગાઉ વિકાસના સાથીદાર પ્રભાતની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી અને કાનપુર લાવવામાં આવ્યો હતો, તે પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.