ઉત્તરપ્રદેશ: મંગળવારે વ્હોટ્સએપ નંબર 112 પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ફરાર ગેંગસ્ટર વિકાસ દૂબેને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવતા 12મા ધોરણમાં અભ્યાસ કરતા એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ધમકીભર્યો મેસેજ કાનપુરથી મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળતા કાનપુર પોલીસ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પકડાયેલા કિશોરને જૂવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેણે જે મોબાઈલ વડે મેસેજ મોકલ્યો હતો તે પણ પોલીસે જપ્ત કર્યો છે.
આ પહેલા પણ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 21 મેના રોજ પણ યુપી પોલીસના 112 વ્હોટ્સએપ નંબર પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.