લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ 1 સપ્ટેમ્બરથી શરૂ થનાર અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અંતર્ગત અનુમતિપાત્ર છે. મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારી દ્વારા જાહેર ગાઇડલાઇન મુજબ મેટ્રો ટ્રેનો 7 સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે, ત્યારે 21 સપ્ટેમ્બરથી 100 લોકોની હાજરીમાં સામાજિક કાર્યક્રમો યોજવાની પરવાનગી આપવામાં આવી છે.
જો કે, શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થા 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ સિવાય 1 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થા ફક્ત શિક્ષકો માટે ખુલશે. શિક્ષકો વિદ્યાર્થીઓને આનલાઇન અભ્યાસ કરાવશે. મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારી દ્વારા જાહેર ગાઇડલાઇન મુજબ, તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ માટે 30 સપ્ટેમ્બર 2020 સુધી બંધ રહેશે. જોકે, ઓનલાઇન અભ્યાસ ચાલુ રહેશે.
21 સપ્ટેમ્બરથી શાળામાં ટીચિંગ, નોન ટીંચિંગ 50 ટકા સ્ટાફને ઓનલાઇન શિક્ષા સંબંધી કાર્યો માટે બોલાવવામાં આવી શકે છે. આ માટે અલગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. આ સાથે જ નવા દિશા નિર્દેશ અનુસાર રાષ્ટ્રીય કૌશલ પ્રશિક્ષણ સંસ્થાન, ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાન, ITIને પરવાનગી આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ વિભાગ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતી વખતે સરકારની સલાહ લેશે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ફક્ત PhD અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે તકનીકી અને વ્યાવસાયિક અભ્યાસક્રમો ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં પ્રયોગશાળાઓ અને વ્યવહારિક કાર્યની જરૂર હોય છે. મેટ્રો રેલ 7 સપ્ટેમ્બર, 2020થી તબક્કાવાર રીતે ચલાવવામાં આવશે, પરંતુ તે વિશે એક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જાહેર કરવામાં આવશે.