નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને શનિવારે મોડી રાત્રી 11 વાગ્યે અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં નિષ્ણાંત ડૉકટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ફરીથી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ શાહને ગંભીર સમસ્યા નથી. AIIMS તરફથી જણાવવામાં આવ્યું કે, રૂટિન ચેકઅપના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે.
ગત મહિને પણ દાખલ થયા હતા
ગૃહ પ્રધાન અમિત શાહને ગત મહિને પણ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી તેમને ગત મહિને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતો. હવે શનિવારે મોડી રાત્રે 11 વાગ્યે અમિત શાહને ફરીથી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં AIIMS મેનેજમેન્ટ આ સમગ્ર મામલે બોલવાનું ટાળી રહ્યું છે.
2 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરંતુ 18 ઓગસ્ટના રોજ થાક અને શરીરના દુખાવાના કારણે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.