લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર દુઃખદ માર્ગ અકસ્માતમાં 23 કામદારોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રાજ્યના ઓરૈયા જિલ્લાની છે. એજન્સીને મળેલી માહિતી અનુસાર આ તમામ કામદારો રાજસ્થાનથી આવતા હતા.
આ ભયંકર અકસ્માતમાં 15 થી 20 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર પણ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. રાહત-બચાવ કાર્ય ચાલુ છે.
સમાચાર અનુસાર આ મોડી રાતની ઘટના છે. આ અકસ્માત હાઇવે પાસે બન્યો હતો. ઓરૈયાના ડીએમ અભિષેકસિંહે અકસ્માત અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ માર્ગ અકસ્માત સવારે 3:30 કલાકે બન્યો હતો, જેમાં 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 15 થી 20 લોકો ઘાયલ થયા છે. મોટાભાગના મજૂરો બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના છે.
આ અગાઉ, ઉત્તર પ્રદેશના હરદોઈના બિલ્ગ્રામ કોટવાલી વિસ્તારમાં રવિવારે સવારે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં અને બે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. લોકડાઉન થયા બાદ મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. આ જ ક્રમમાં આવા અનેક દુઃખદ અકસ્માતો સાંભળવા મળી રહ્યા છે.
આ પહેલા પણ મધ્ય પ્રદેશમાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં અનેક મજૂરોનાં મોત થયા હતાં.