જેલ પ્રશાસન તૈયારીમાં લાગ્યું
પ્રાપ્ત વિગતો મુજબ, તિહાર જેલમાં બંધ નિર્ભયાના ચારેય દોષીને ફાંસી પર લટકાવવાને લઈને જેલ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. હજુ સુધી તેમની પાસે ડેથ વોરંટ આવ્યું નથી. પરંતુ તે પહેલા તેઓ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવા માગે છે. આ બાબતને ધ્યાને રાખતા તેઓએ 100 કિલોના રેતીથી ભરેલા ડમીને ફાંસી પર લટકાવીને ટ્રાયલ પણ કર્યું હતું. આ ડમીને લગભગ 1 કલાક સુધી લટકાવી રાખવામાં આવ્યું જેથી તે જોઈ શકાય કે ફાંસી દરમિયાન કોઈ સમસ્યા ઊભી ના થાય.
પવનને મંડોલી જેલમાં શિફ્ટ કરાયો
અત્યાર સુધી નિર્ભયા કેસના દોષી પવનને મંડોલી જેલમાં કેદ કરવામાં આવ્યો હતો. તેને મંડોલી જેલના નંબર-14માંથી તિહાર જેલ નંબર-2માં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ જેલમાં અક્ષય અને મુકેશ પણ બંધ છે. તો વિનય જેલ નંબર-4માં બંધ છે. જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, ફાંસી કોઠડી જેલ નંબર-3માં છે. જ્યારે તેમને ફાંસી આપવામાં આવશે ત્યારે તેઓને જેલ નંબર-2 અને 4માંથી કાઢીને જેલ નંબર 3માં ખસેડવામાં આવશે.
બકસરથી મંગાવાયા 10 દોરડા
તિહાર પ્રશાસન અનુસાર, હાલ તેમની પાસે ફાંસી માટે 5 દોરડા છે. પરંતુ બકસરથી 10 દોરડા મંગાવવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટ્રાયલ માટે પણ કેટલાક દોરડાની આવશ્યકતા રહે છે. એટલા માટે દોરડા મંગાવવામાં આવ્યા છે કે, જેથી ફાંસી માટે કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય.
જેલમાં ફાંસી છે ચર્ચાનો વિષય
સૂત્રોનું કહેવું છે કે, તિહાર જેલમાં નિર્ભયાના દોષિઓ માટે ફાંસી ચર્ચાનો વિષય બન્યો છે. અહીંના કેદીઓમાં ચર્ચાને કારણે દોષિતોમાં ડર જોવા મળી રહ્યો છે. માટે જ્યારે પવનને મંડોલી જેલથી તિહાર જેલમાં ખસેડવામાં આવ્યો ત્યારે તેને લાગ્યું કે બીજા જ દિવસે તેને ફાંસી આપવામાં આવશે. ફાંસીની તારીખ હજી નક્કી કરવામાં આવી નથી.