પીડિતાઓને ફરિયાદ સિવાય બીજો કોઈ માર્ગ ન રહેતા આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ સમસ્યા માત્ર આંધ્ર યુનિવર્સિટી પૂરતી સીમિત નથી. તમામ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં વિદ્યાર્થિનીઓ આવા પ્રશ્નોનો સામનો કરી રહી છે. કેટલીકને નાણાં માટે સતાવાય છે તો કેટલીકને જાતીય રીતે સતાવાય છે. આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટી અંદર આવતી મેડિકલ કૉલેજની વિદ્યાર્થિનીઓ આવી યાતના સહન કરી લે છે જ્યારે કેટલીક આત્મહત્યા કરે છે. ૧૯૮૮માં, યુનિવર્સિટી અનુદાન પંચ (યુજીસી)એ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પ્રાધ્યાપકોની વર્તણૂંક માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. અનેક ભારતીય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સ્ટાફના પ્રતિનિધિઓ સાથે સઘન બેઠકો હાથ ધર્યા પછી, આના માટે, યુજીસીએ વ્યાવસાયિક મૂલ્યોની સંહિતા ઘડી કાઢવા કાર્યદળને સ્થાપ્યું હતું. શિક્ષણના ક્ષેત્રમાં આવતા પ્રાધ્યાપકોએ આ સંહિતાને અંતઃકરણપૂર્વક અનુસરવું જોઈએ, પરંતુ તેમાંના મોટા ભાગનાને તેના વિશે જાગૃતિ નથી હોતી. કેટલાક તો તેના અસ્તિત્વ વિશે પણ જાગૃત નથી હોતા. પરિણામે, એ નિયમ બની ગયો છે કે પ્રાધ્યાપકો તેમની મનમરજી મુજબ વર્તન કરે છે. જે લોકો આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે તેમની સામે પગલાં લેવા માટે કોઈ કડક માર્ગદર્શિકા ન હોવાથી, નિર્દેશો વ્યર્થ બની ગયા છે. જે પ્રાધ્યાપકો અનૈતિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેમની સામે કડક પગલાં લેવામાં સરકારો સક્રિય નથી. પરિણામે, યુનિવર્સિટી અને કૉલેજો રાજકીય અને સાંપ્રદાયિક મતભેદોનું કેન્દ્ર બિંદુ બની રહી છે.
પ્રાધ્યાપકોમાં ઉપ કુલપતિ, રજિસ્ટ્રાર અને ડીન જેવાં પદો માટે ઘેલછાં વધી રહી છે. વિદ્યાર્થીઓ સાથે શિસ્ત અને સારું વર્તન કરવાના બદલે પ્રાધ્યાપકો પોતે જ સંપ્રદાય આધારિત જૂથોમાં વહેંચાઈ રહ્યા છે. યુનિવર્સિટીઓમાં શિક્ષણ અને સંશોધન ધોરણો, જે સંશોધન અને શોધનું કેન્દ્ર છે, તેને મજબૂત કરવા માટે, વિદ્યાર્થીઓને તેમનાં મંતવ્યો મુક્ત રીતે વ્યક્ત કરવા સશક્ત કરવા જોઈએ. સંશોધન વિદ્વાનોને જે પ્રાધ્યાપકો વર્ગોમાં અનિયમિત હોય છે તેમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી હોતો. જો કોઈ પ્રાધ્યાપકો વિશે ફરિયાદ કરે છે તો પછી તેમને પીએચડીની આશા છોડી દેવી પડે છે. વિદ્યાર્થીઓએ તેમને ફાળવાયેલા કોઈ પણ પ્રકારના પ્રાધ્યાપકને સહન કરી લેવા પડે છે. એક વિદ્યાર્થીને માર્ગદર્શક બદદલવા માટે વર્તમાન માર્ગદર્શકની પરવાનગી લેવી જરૂરી છે. આવા અલેખિત નિયમો વિદ્યાર્થીઓ પર થોપી દેવાયા છે ત્યારે કેટલીક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકો તેમની ગેરવર્તણૂક કરીને છટકી જાય છે. કેટલીક યુનિવર્સિટીઓમાં, એવાં ઉદાહરણો છે જેમાં પસંદગીની પ્રક્રિયામાં વિસંગતતાના કારણે પ્રાધ્યાપકોની ભરતી ખોરવાઈ છે. યુનિવર્સિટીઓમાં ઉચ્ચ સત્તાઓને ભરતીની પ્રક્રિયા સોંપી દેવાઈ છે, તેથી અનેક ઉપકુલપતિઓએ આ પ્રક્રિયાને પણ ભ્રષ્ટ કરી દીધી છે. પ્રાધ્યાપકોની ગેરવર્તણૂંક વિશે યુનિવર્સિટીઓના કુલપતિને ફરિયાદો સામાન્ય બની ગઈ છે. આવી ફરિયાદો વિશે તપાસ કરવા માટે રાજ્યપાલના કાર્યાલયે સ્પષ્ટ સૂચનાઓ આપી છે, પરંતુ પ્રાધ્યાપકો તેનાથી ઓછામાં ઓછાં ચિંતિત છે. અનેક કારણોને ટાંકીને ફરિયાદોને સગવડપૂર્વક અવગણી દેવાય છે અને પ્રાધ્યાપકો સામે કોઈ પગલાં શરૂ કરાયાં નથી.
યુનિવર્સિટીઓમાં મહિલાઓ સામે જાતીય સતામણીની તપાસ કરવા અને જાતીય સતામણીને અટકાવવા માટે આંતરિક ફરિયાદ સમિતિઓ સ્થાપવામાં આવી છે. ઉક્ત સમિતિઓમાં કર્મચારીઓના અભાવના કારણે, મોટા ભાગની ફરિયાદો ધ્યાન બહાર અને વણઉકેલી રહી જાય છે. પ્રાધ્યાપકોની જાતીય સતામણીના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે, તે પ્રણાલિમાં છીંડા અને ઉણપો દર્શાવે છે. આ પ્રશ્નનો વાસ્તવિક ઉકેલ કાળબાહ્ય નિયમો અને નિયમનોમાં સુધારા કરવાનો છે. આ પરિસ્થિતિને બદલવા યુનિવર્સિટી અનુદાન પંચે સમયાંતરે માર્ગદર્શિકા જ ન સુધારવી જોઈએ પરંતુ જે વાતાવરણમાં તેમનો અમલ થઈ શકે તેવું વાતાવરણ પણ પૂરું પાડવું જોઈએ.