ન્યૂઝ ડેસ્ક: તામિલનાડુથી અમેરિકા ગયેલા શ્યામલા ગોપાલનની પુત્રી કમલા પોતાના વારસા અને પોતાની ભારતીય માતાના ઘડતર માટે ગૌરવ વ્યક્ત કરે છે. વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવી એ દુનિયાના સૌથી શક્તિશાળી હોદ્દાથી બસ એક કદમ પાછળ જઈને ઊભા રહેવા જેવી વાત છે. કેરેબિયન ટાપુરાષ્ટ્રોમાં તથા પોર્ટુગલમાં, આયર્લેન્ડ અને સિંગાપોરમાં. ફિજી અને મોરેશિયસમાં ભારતીય મૂળના નેતાઓ સર્વોચ્ચે હોદ્દા સુધી પહોંચી શક્યા છે. પરંતુ અમેરિકામાં બીજા નંબરના સૌથી અગત્યના હોદ્દા વાઈસ પ્રેસિડન્ટ માટે ચૂંટણી લડવાની વાત બહુ નોખી છે. કમલાની પસંદગી સાથે જ અમેરિકામાં ભારતીય સમુદાયમાં અનેભારતમાં તથા અખબારી જગતમાં ભારે ઉત્સુકતા સાથે નોંધ લેવાઈ છે.
તેની સામે કેન્દ્રની ભાજપ સરકારમાં કોઈ ખુશી ના દેખાઇ તેનું કારણ સમજી શકાય છે, કેમ કે ભારતની વર્તમાન સરકાર ડોનાલ્ટ ટ્રમ્પ સાથે નીકટનો નાતો ધરાવે છે. સરકાર ટ્રમ્પ વહિવટીતંત્રને ભારતનું હિતેચ્છુ ગણાવવા માગે છે. ભારત સાથે અમેરિકાના સંબંધો સુધર્યા છે, તેમાં ત્યાંના બંને પક્ષો ડેમોક્રેટિક અને રિપબ્લિકનના નેતાઓનો ફાળો છે, પરંતુ ભારત ખુલ્લેઆમ ટ્રમ્પની વાહવાહ કરે છે તે બાબત ત્યાંની ડેમોક્રેટિક પાર્ટીને નારાજ કરનારી છે. ઘણા ડેમોક્રેટિક નેતાઓએ હાલમાં જ નરેન્દ્ર મોદીની સરકારની કેટલીક નીતિઓની ટીકા કરી છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર સંબંધિત કલમ 370ની નાબુદી અને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ (CAA)ના મુદ્દે ટીકાઓ થઈ હતી. ડેમોક્રેટિક પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા સાથે નરેન્દ્ર મોદીના સારા સંબંધો હોવાનું કહેવાય છે તેમ છતાં આવી ટીકાઓ થઈ છે.
જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની ખુલ્લેઆમ ટીકા કરનારાઓમાં કમલા હેરીસનો પણ સમાવેશ થાય છે. ગયા ડિસેમ્બરમાં અમેરિકાના વિદેશી વિભાગની ફોરેન રિલેશન્સ કમિટીની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે હાજરી ના આપી ત્યારે હેરીસે તેમની ટીકા કરી હતી. તે અગાઉ ગયા સપ્ટેમ્બરમાં હેરીસે હ્યુસ્ટનમાં થયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું હતું.
ખાનગીમાં નવી દિલ્હીના વ્યૂહાત્મક નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો ચિડીયો સ્વભાવ છે તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જાહેરમાં કોઈ ઉત્સાહજનક પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. મોદી સરકાર અત્યારે ટ્રમ્પને નારાજ કરવા માટેનો કોઈ મુદ્દો ઉપસ્થિત કરવા માગતી નથી. ખાસ કરીને નજીકના ભવિષ્યમાં દ્વિપક્ષી વેપારમાં GSP (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ) દરજ્જો ભારતને મળે એવી શક્યતા છે ત્યારે કોઈ આડખીલી ઊભી ના થાય તેમ સરકાર ઇચ્છે છે.
ખાસ તો ચીન સાથેના સંબંધો તંગ થયેલા છે અને ચીન પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનના હદના દાવાને પણ ટેકો આપવાનું વલણ ધરાવે છે ત્યારે ભારત સાવધાની રાખવા માગે છે. ભારત હાલના તબક્કે અમેરિકા સાથેના સંબંધો જાળવી રાખવા માગે છે, જેથી ચીન સામેના ઘર્ષણમાં અમેરિકાનો ખુલ્લો ટેકો મળી રહે.
બીજું, માનવાધિકાર અને ધાર્મિક સ્વાતંત્ર્ય જેવા મુદ્દે ડેમોક્રેટ નેતાઓ હંમેશા વધુ સ્પષ્ટવક્તાઓ અને ટીકાકાર રહ્યા છે. આ બંને મુદ્દે ભારત સરકારને અકળામણ થઈ શકે છે, કેમ કે ટીકાઓ મોદી સરકારથી સહન થતી નથી. પર્યાવરણ અને ગ્લૉબલ વૉર્મિંગના મુદ્દે બંને દેશોના વિચારો મળતા આવે છે, પરંતુ હાલના સમયમાં એન્વીરનમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની પ્રક્રિયાની બાબતમાં ડેમોક્રેટ્સનો આગ્રહ વધારે જડ હોય શકે છે.
તેથી કમલા હેરીસની પસંદગીને કારણે ભારતને ખાસ કોઈ ફાયદો થતો દેખાતો નથી. જોકે થોડી ચિંતાનું કારણ પણ છે, કેમ કે ભારત સરકાર એવું ધારીને ચાલી રહેલી લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી જીતી જશે. હાઉડી મોદી કાર્યક્રમમાં પણ નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન અમેરિકન સમુદાય ટ્રમ્પ માટે વૉટ કરે તેવા પ્રયાસો કર્યા હતા.
ત્યારબાદ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો તેની પાછળનો ઉદ્દેશ પણ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતના ઉત્તમ મિત્ર તરીકે ઉપસાવવાનો હતો. આમ છતાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના દાવેદાર જો બાઇડને પોતાના વાઇસ પ્રેસિડન્ટ તરીકેના સાથી તરીકે કમલા હેરીસનું નામ પસંદ કર્યું તે સાથે જ અમેરિકાના ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહનો મોજું ફરી વળ્યું છે. કેલિફોર્નિયામાંથી સેનેટર તરીકે જીતેલા કમલા હેરીસ માટે ભારતીય સમુદાયમાં સમર્થન જોવા મળે તેવી શક્યતા છે.
ભારત સરકાર વિદેશમાં વસી ગયેલા ભારતીય સમુદાય માટે ગૌરવ અનુભવે તે સ્વાભાવિક છે. વિશ્વમાં સૌથી વધુ 3 કરોડ ભારતીયો ફેલાયેલા છે અને તેના કારણે ભારતીય અર્થતંત્રને વર્ષે 80 અબજ ડૉલરનો ફાયદો થાય છે. વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારત આ રીતે સૌથી વધુ રેમિટન્સ મેળવે છે. વિદેશનિવાસી ભારતીયોએ દેશના ઉત્થાન માટે પોતાની રીતે પ્રયત્નો કર્યા છે અને ભારતીય સરકારે પ્રવાસી ભારતીય દિવસ તરીકે તેમના પ્રદાનની નોંધ લેવા સહિતના પ્રયાસો પણ કર્યા છે.
વિદેશમાં જઈને ભારતીયો વસ્યા હોય તેમાં અમેરિકા અગ્રસ્થાને છે. પ્રથમ અને બીજી પેઢીના ભારતીય મૂળના પ્રોફેશનલ્સનો આજે ત્યાં દબદબો છે. શિક્ષણજગત, વિજ્ઞાન, ટેક્નોલૉજી અને એન્ટ્રપ્રન્યોરશીપમાં ભારતીય ચહેરાઓ ચમકે છે. અમેરિકામાં લગભગ 40 લાખ લોકો ભારતીય મૂળિયા ધરાવે છે. આ સમુદાય સૌથી વધુ શિક્ષિત અને સૌથી વધુ સમૃદ્ધ છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં આ સમુદાય બહુ અગત્યનો સાબિત થઈ શકે છે. સાથે જ બંને દેશોની સંસ્કૃત્તિને નીકટ લાવવામાં પણ તેમનો ફાળો અગત્યનો છે.
સુંદર પિચાઇ અને સત્ય નાડેલા જેવા ભારતીય મૂળના લોકો આજે વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓ ગૂગલ અને માઇક્રોસોફ્ટ ઉપરાંત એડોબ અને આઈબીએમ જેવી કંપનીઓના સીઈઓ છે. સિલિકોન વૅલીમાં ભારતીય એન્જિનિયર્સની કુશળતા અગત્યની ગણાય છે અમેરિકા ઉપરાંત ભારતીય અર્થતંત્ર માટે પણ અગત્યના સારથી સાબિત થઈ શકે છે. હાલમાં જ અભિજિત બેનરજીને નોબલ પ્રાઇસ પણ મળ્યું.
આટલી સિદ્ધિઓ વચ્ચે વધુ એક જોરદાર રાજકીય સફળતા ભારતીય મૂળિયા ધરાવતી વ્યક્તિને મળી છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડાં બનવા માટે તેમણે દાવો પણ કર્યો હતો અને પછી સ્પર્ધામાં ખસીને જો બાઇડનને ટેકો આપ્યો હતો. હવે બાઇડને જ તેમને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે પોતાના સાથી પસંદ કર્યા છે તે બહુ મોટી ઘટના છે. વિશ્વપ્રવાસી ભારતીયોની સાવ નાની સિદ્ધિને પણ વધાવી લેવા માટે સદાય આતુર મોદી સરકારે આટલી મોટી હલચલ પછીય જરાય ઉત્સાહ નથી દાખવ્યો તે બાબત પણ ધ્યાન ખેંચનારી બની રહી છે.
- નિલોવા રૉય ચૌધરી