ઝારખંડઃ ગુરૂવારે લોહરદગામાં નાગરિકતા કાયદા(સંશોધન)અને રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર(NRC)ના સમર્થન આપવા માટે વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પર અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા બાદ હિંસા ફાટી નિકળી હતી. પથ્થરમારાના વિરોધમાં વાહનોમાં આગચંપી તેમજ તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતી વણસી જતા જિલ્લા કલેક્ટરને કર્ફ્યું લગાવવાની ફરજ પડી હતી.
હિંસાની ધટના બાદ, રાજ્ય સરકારે પોલીસ તંત્રને એલર્ટ રહેવા સુચન કર્યું છે. સુરક્ષાના પગલે જિલ્લામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. CRPFના જવાનોને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોપવામાં આવી છે. DIG એ.વી.હોમકર સહિત પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારી લોહરાદગા દોડી આવ્યા હતા. લોકોને ઘર બાહર ન નીકળવાની ચેતવણી આપી છે.
હિંસાના પગલે પોલીસને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, CAA અને NRCના સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી. તે દરમિયાન અમલાટોલી ચોકમાં આ રેલી પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જે કારણે ભડકેલા લોકોએ આસપાસના વાહનોમાં આગ ચાંપી હતી. તેમજ દુકાનોમાં તોડફોડ કરી હતી. હિંસામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ પરિસ્થિતી કાબુ પર છે.
DC અને SP પર પણ પથ્થરમારો
CAA સમર્થન રેલી દરમિયાન વકરેલા વિવાદમાં 14 વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. તેમજ 8 વાહનોને આગ ચાંપવામાં હતી. લોહરદગા શહેરી વિસ્તાર અને પરા વિસ્તારોમાં 3 ડઝનથી વધુ દુકાનમાં લૂંટ અને અગ્નિદાહની ઘટનાઓ બની હતી. આ ઉપરાંત અનેક દુકાનોમાં તોડફોડની ઘટના પણ બની હતી. પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ કે, દક્ષિણ છોટા નાગપુર વિભાગના કમિશ્નર વિનોદકુમાર, SP પ્રિયદર્શી આલોક પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. જો કે, બંને અધિકારીઓ સલામત છે.