પીતજવર સામે બલિદાન
1881માં ડૉ. કાર્લોસે તારણ કાઢ્યું કે ઘાતક પીતજવરનું મુખ્ય કારણ મચ્છર કરડવાનું છે. અમેરિકી સેનાના ડૉક્ટરોએ તેને સાબિત કરવા પોતે સાહસમાં કૂદી પડ્યા. ડૉક્ટરો જેમ્સ કેરોલ, એરિસ્ટાઇડ્સ એગ્રામૉન્ટ અને જેસ વિલિયમ લેઝિયરે તબીબી વૈજ્ઞાનિક વૉલ્ટર રીડની આગેવાનીમાં 1900ના દાયકામાં પીતજવર વિશે તપાસ કરી. તેના અંતમાં કેરોલ અને લેઝિયરે સ્વૈચ્છિક રીતે પોતાને આ મચ્છર દ્વારા કરડાવ્યા. તેમને બંનેને પીતજવર થયા. લેઝિયર થોડા દિવસ પછી મૃત્યુ પામ્યા...જ્યારે કેરોલ સાજા થઈ ગયા. પરંતુ તેનાં સાત વર્ષ પછી આ જ રોગ દ્વારા તેમનું મૃત્યુ થયું. તેમનું બલિદાન પીતજવરથી લોકોની જિંદગી બચાવવા માટે યાદ કરાય છે.
પોતાના દ્વારા શસ્ત્રક્રિયા
તે દિવસોમાં શસ્ત્રક્રિયા કરવા સંપૂર્ણ શરીરને એનેસ્થેશિયા આપવામાં આવતો હતો. એક મહાન ડૉક્ટરે સાબિત કર્યું કે આવું કરવાની કોઈ જરૂર નથી. અમેરિકાના પેન્સિલ્વેનિયાના ડૉ. ઑ'નૈલ કાને શસ્ત્રક્રિયાની પ્રક્રિયામાં સુધારો કરવા માગતા હતા. તેમણે તેમની ચેપ લાગેલી આંગળીને એનેસ્થેશિયા આપ્યો અને પોતાના પર જ શસ્ત્રક્રિયા કરી. તેમણે ૧૫ ફેબ્રુઆરી ૧૯૨૧ના દિવસે તેમના પેટને સ્થાનિક એનેસ્થેશિયા આપીને પોતાના પર આંત્રપુચ્છ કાપવાનું કામ સફળતાપૂર્વક કર્યું. તે સમયે તેઓ 60 વર્ષના હતા. દસ વર્ષ પછી તેમણે પોતાના પર ત્રીજી શસ્ત્રક્રિયા કરી અને ૩૬ કલાકમાં પોતાની ફરજ પર પરત ફર્યા. તેમના સાહસે વિશ્વભરમાં સ્થાનિક એનેસ્થેશિયાથી શસ્ત્રક્રિયા થઈ શકે તે વાત મનાવી.
જીવતા કરવા માટે પ્રયાસ કરીને...
રશિયાના એક ફિઝિશિયન એલેક્ઝાન્ડર બૉગ્દાનોવ....તેઓ એક વૈજ્ઞાનિક, એક અર્થશાસ્ત્રી, એક રાજકારણી અને એક લેખક હતા. તેમને એક રમૂજી વિચાર આવ્યો. તેઓ યુવાન લોકોનું લોહી ચડાવીને વૃદ્ધ લોકોને પુનર્જીવિત કરવા માગતા હતા. ૧૯૨૪માં, એલેક્ઝાન્ડર પોતાના પર જ આ પ્રયોગ કરવા માગતા હતા અને તેમણે યુવાન પુરુષનું લોહી પોતાને ચડાવ્યું અને પછીથી મૃત્યુ પામ્યા. આના માટેનું કારણ પછીથી એવું જણાવાયું કે રક્તદાતાને મેલેરિયા અને ટીબી હતો.
વૈજ્ઞાનિક જેમણે બૅક્ટેરિયા પી લીધો
જર્મન વૈજ્ઞાનિક રૉબર્ટ કોચે શોધ્યું કે કૉલેરા વાઇબ્રિયો કૉલેરાએ નામના બૅક્ટેરિયાના કારણે થાય છે. બાવરિયાના રસાયણશાસ્ત્રી મેક્સ જૉસેફ વૉન પેટેનકૉફર તેમને ખોટા સાબિત કરવા માગતા હતા અને આ માટે પ્રયોગ કરવા માગતા હતા. તેમણે રૉબર્ટ કૉચની સામે વાઇબ્રિયો કૉલેરાએ બૅક્ટેરિયાને એક રસમાં ભેળવી દીધો અને તેને પી ગયા. બાદમાં તેમને કૉલેરાનાં લક્ષણો સાથે હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જોકે એક સપ્તાહ પછી તેઓ સાજા થઈ ગયા.
ચાંદાં અને કેન્સરને પકડવા...
ઑસ્ટ્રેલિયાના ફિઝિશિયન બેરી માર્શલે રૉયલ પર્થ હૉસ્પિટલમાં કામ કર્યું. તેમના સાથી ફિઝિશિયન રોબિન વૉરેન સાથે તેમણે ૧૯૮૪માં જાહેરાત કરી કે પેટમાં થતાં ચાંદાં અને કેન્સર માટે હેલિકૉબેક્ટર પાઇલોરી બૅક્ટેરિયા જવાબદાર છે. જોકે અન્ય વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ આ સંભાવનાને નકારી કાઢી કારણકે તેઓ માનતા હતા કે પેટમાં છૂટતા અંતઃસ્ત્રાવો બૅક્ટેરિયાને જીવવા દેતા નથી. બેરી માર્શલ સંબંધિત બૅક્ટેરિયા રસમાં મેળવીને પી ગયા. થોડા દિવસોની અંદર તેઓ ગંભીર બીમાર પડ્યા. તપાસમાં એમ જણાયું કે બૅક્ટેરિયા પેટમાં સ્થાયી થઈ જવાના કારણે ચાંદું બન્યું હતું. બેરી બૅક્ટેરિયા વિરોધી દવા લેવાથી સાજા થઈ ગયા. આ પ્રયોગ દ્વારા એ સ્થાપિત થયું કે પેટમાંના બૅક્ટેરિયા પેટના ચાંદાં અને કેન્સર માટે જવાબદાર હોય છે. વૉરેનને બેરી સાથે વર્ષ 2005માં તેમના પ્રયાસોની કદર માટે નૉબેલ પુરસ્કાર મળ્યો હતો.