સુરત રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત એચ.એમ બચકાનીવાલા સરદાર હાઇસ્કુલમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેજસ્વી નીરવ દેસાઈએ ઓક્સિજનની સાથે ઉર્જા ઉત્પન્ન કરતું યંત્ર શોધી કાઢ્યું છે. તેજસ્વી જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે શહેર જિલ્લા કક્ષાએ યોજાતા વિજ્ઞાનમેળામાં એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો આ અંગે તેજસ્વીએ જણાવ્યું હતું કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓકસીજન બહાર ફેંકે છે તો આવું કોઈ મશીન કેમ નહીં કરી શકતી અને આ વિચારને અમલમાં મુકવા તેણે તેની સફર ચાલુ કરી હતી.
પોતાને આવેલા અનોખા વિચારને તેજસ્વીએ શાળાના આચાર્ય અને કોર્ડીનેટરની જણાવ્યો અને તેમના માર્ગદર્શન હેઠળ પોતાના આઈડિયા પર શાળાની લેબોરેટરીમાં કામ કરવાનું શરૂ કર્યું.તેજસ્વી સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડ અને ધોવાના સોડાના દ્રાવણને અલગ-અલગ બીકરમાં લઈ કેથોડ અને એનોર્ડને મલ્ટી મીટર દ્વારા જોડાતા કાર્બનડાઈઓક્સાઈડના શોષણની સાથે 1.9 વોલ્ટ જેટલી ઊર્જા જોવા મળી હતી. માત્ર 50 રૂપિયાના ખર્ચે કાર્બનડાયોકસાઇડના શોષણની સાથે ઉર્જા પણ ઉત્પન્ન થતા પોતાની મહેનતે તેજસ્વીને બેવડી સફળતા મળી હતી.
કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેજસ્વી દેસાઈએ મેળવેલી સિદ્ધિ અનોખી છે. શહેર જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પોતાના પ્રોજેક્ટને રજૂ કર્યા બાદ તેને રાજ્ય કક્ષાએ સુરેન્દ્રનગરના પાટડી ખાતે રજૂ કર્યો હતો. જિલ્લા કક્ષાની જેમ જ રાજ્યકક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવનાર તેજસ્વીને રાષ્ટ્રીય કક્ષાએ IIT નવી દિલ્હી ખાતે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં દેશભરના શાળામાંથી 850 પ્રોજેક્ટ રજૂ થયા હતા આને કેન્દ્રના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક મંત્રાલય દ્વારા તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવા માટે પસંદગી થઇ હતી. આગામી 20 થી 26 એપ્રિલના રોજ જાપાનના ટોકિયો ખાતે શકુરા યુથ એક્ષ્ચેન્જ ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે.
ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી તેજસ્વીએ ભલે અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને તે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરશે, પરંતુ તેની ઈચ્છા કોમર્સમાં જ આગળ અભ્યાસ કરવાની છે તેજસ્વીએ વધુમાં કહ્યું કે પ્રોજેક્ટ લાંબાગાળે વાહનોની બેટરીમાં સાકાર કરી શકાય છે.