નવી દિલ્હી: કોરોના વાઈરસનું પ્રથમ પ્લાઝ્મા ટ્રાયલ દેશમાં સફળ રહ્યું છે. દિલ્હી સ્થિત સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ દર્દી પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશમાં પ્રથમ વખત આ થેરેપીથી ગંભીર રીતે સંક્રમિત 49 વર્ષીય વ્યક્તિની પ્લાઝમાં થેરેપી દ્વારા સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ ટ્રાયલ દ્વારા કોરોના ચેપગ્રસ્ત દર્દીને લોહી આપવામાં આવે છે. આ માટે એવા લોકોનું લોહી લેવામાં આવે છે જેમને પહેલા કોરોના ચેપ લાગ્યો હતો અને હવે તેઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોય.
હોસ્પિટલનું કહેવું છે કે, ડિફેન્સ કોલોનીમાં રહેતા દર્દીને 4 એપ્રિલે મેક્સ હોસ્પિટલના ઇસ્ટ બ્લોકમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ દિવસે તપાસમાં તેને કોરોનાની પુષ્ટિ મળી હતી. શરૂઆતમાં તેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હતી પરંતુ એક-બે દિવસમાં જ સ્થિતિ ગંભીર થવાથી ઓક્સિજન આપવાની ફરજ પડી હતી. પરંતુ તેને ન્યુમોનિયા થવાથી ફેફસાં પણ યોગ્ય રીતે કામ કરવામાં અસમર્થ હતા. આથી દર્દીને 8 એપ્રિલે આઈસીયુમાં વેન્ટિલેટરને પર રાખવામાં આવ્યો હતો.
તે જ સમયે તેના પરિવારે કહ્યુ કે, હોસ્પિટલના સ્ટાફને તેમની સારવાર માટે પ્લાઝ્મા થેરાપી આપવાની વિનંતી કરી હતી. પ્લાઝમાં ડોનર પણ પરિવારના લોકો જાતે જ શોધી લાવ્યા હતા. જે ત્રણ અઠવાડિયા અગાઉ સ્વસ્થ થઈ ગયો હતો. બે વખત ડોનરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ સિવાય પણ મેક્સ હોસ્પિટલમાં HIV, હેપેટાઇટિસ બી અને સી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બધા રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમના લોહીમાંથી પ્લાઝ્મા લીધા પછી 14 એપ્રિલે દર્દીને આપવામાં આવ્યા હતા.
પ્લાઝ્માના ઇન્જેક્શન પછી દર્દીના સ્વાસ્થ્યમાં સતત સુધારો જોવા મળ્યો હતો. છેવટે 18 એપ્રિલે દર્દીને વેન્ટિલેટરથી દૂર કર્યો અને સતત બાહ્ય ઓક્સિજન આપવામાં આવ્યું. હાલમાં તેને અલગ રૂમમાં 24 કલાક ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. હવે તેઓએ જમવાનું પણ શરૂ કરી દીધું છે.
ગ્રુપ મેડિકલ ડાયરેક્ટર ડો.સંદીપ બુધિરાજાએ કહ્યું કે, ભારત જેવા વિકાસશીલ દેશ માટે કોવિડ -19 ચેપનો અસરકારક રીતે લડવા માટે પ્લાઝ્મા થેરાપીએ શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ અહીં તે દાવા સાથે કહી શકાય નહીં કે દર્દી પ્લાઝ્મા થેરાપીથી સ્વસ્થ થઈ શક્યો. તેના પર યોગ્ય રીતે સંશોધન કરવાની જરૂર છે. આ દર્દી પર પ્લાઝ્મા સિવાય બીજી ઘણી પદ્ધતિઓ પણ અજમાવવામાં આવી હતી. તેથી એમ કહેવું કે દર્દી 100 ટકા પ્લાઝ્મા થેરેપીથી જ સાજો થયો છે તે ખોટું હશે. દર્દીની રિક્વરીમાં ઘણા પરિબળો કામ કરે છે.
ડો.સંદીપ બુધિરાજાએ કહ્યું કે, ડોનર 400 મિલી પ્લાઝ્મા દાન કરી શકે છે. 200 મિલી પ્લાઝ્મા દર્દીની સારવાર માટે પૂરતા છે. આ રીતે કોઈ ડોનર બે દર્દીઓનો જીવ બચાવી શકે છે.