હૈદરાબાદ: વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ છે, ત્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા કોવિડ-19 અને માનસિક આરોગ્યની સમસ્યા અંગે જારી કરવામાં આવેલી પોલિસી બ્રિફમાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19 મહામારીને કારણે માનસિક આરોગ્ય માટેની સેવાઓ પાછળનાં રોકાણોમાં તાકીદે વધારો કરવાની જરૂરિયાત ઊભી થઇ છે, અન્યથા આગામી મહિનાઓમાં માનસિક આરોગ્યની સ્થિતિ મામલે જોખમ ઊભું થશે.
આ વિશે વાત કરતાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રિયેસે જણાવ્યું હતું કે, લોકોના માનસિક આરોગ્ય ઉપર મહામારીની જે વિપરિત અસર ઉપજી છે, તે બાબત અત્યંત ચિંતાજનક છે.
"સોશ્યલ આઇસોલેશન, ચેપ લાગવાના ભય અને પરિવારના સભ્યો ગુમાવવાના આઘાતમાં આવક અને ઘણા કિસ્સામાં રોજગારી ગુમાવવાની હતાશાને કારણે વધારો થાય છે," તેમ તેમણે જણાવ્યું હતું.
અહેવાલો સૂચવે છે કે, ઘણા દેશોમાં ડિપ્રેશન અને ચિંતાનાં લક્ષણોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને કામના પ્રચંડ ભારણ, જીવન-મરણના નિર્ણયો અને સંક્રમણના જોખમ વચ્ચે જીવતા ફ્રન્ટલાઇન હેલ્થ કેર વર્કર્સ વધુ પ્રમાણમાં પ્રભાવિત થાય છે.
બાળકો અને કિશોરોની સ્થિતિ પણ જોખમી બની છે. આ ઉપરાંત, ખાસ કરીને ઘરેથી કામ કરતી (વર્ક ફ્રોમ હોમ) અને ઘરનાં કાર્યો પણ કરતી મહિલાઓ, વૃદ્ધ વ્યક્તિઓ અને અગાઉથી જ માનસિક આરોગ્યને લગતી સમસ્યા ધરાવનારી વ્યક્તિઓ ઉપર પણ સંકટ તોળાઇ રહ્યું છે.
માનસિક આરોગ્યની સુવિધાને કોવિડ-19 માટેની સારવારની સુવિધાઓમાં રૂપાંતરિત કરવા ઉપરાંત માનસિક આરોગ્યનો સ્ટાફ વાઇરસથી સંક્રમિત થવાને કારણે તથા રૂબરૂ સેવાઓ આપવાને કારણે કેર સિસ્ટમ પ્રભાવિત થઇ છે.
ડો. ગેબ્રિયેસસે વધુમાં જણાવ્યું હતું કે, "હવે એ બાબત એકદમ સ્પષ્ટ છે કે, કોવિડ-19 રોગચાળામાંથી સાજા થવા માટે અને પ્રતિસાદ તરીકેના એક મહત્વના પાસાં તરીકે માનસિક આરોગ્યની સારવાર થવી જરૂરી છે."