નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કોરોના વાઇરસ સંકટમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ક્ષેત્રની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના માટે 1 લાખ કરોડની સહાય આપવા કહ્યું છે.
વડાપ્રધાનને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, જો સરકાર સમયસર પગલાં લે તો દેશના 11 કરોડથી વધુ લોકોને રોજગારી આપતા એમએસએમઇ ક્ષેત્રમાં મોટી રાહત મળી શકે છે.
સોનિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન, એમએસએમઇ ક્ષેત્રને દરરોજ આશરે 30,000 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે અને આ ક્ષેત્રમાં કામ કરતા લોકોના રોજગારનું જોખમ રહેલું છે, કારણ કે એમએસએમઇ એકમોએ તેમના કામદારોને પગાર ચૂકવવા માટે સંઘર્ષ કરવો પડે છે.
સોનિયાએ વિનંતી કરી કે, એમએસએમઇ દ્વારા લેવામાં આવેલી લોન પરના વ્યાજની ચૂકવણી ત્રણ મહિના માટે મુલતવી રાખવામાં આવે અને સરકારે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ટેક્સને માફ કરવા અથવા ઘટાડવાનો વિચાર કરવો જોઇએ.