નવી દિલ્હી: કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 21 દિવસના આ લોકડાઉનને સર્મથન આપ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 21 દિવસના બંધને સમર્થન આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ 'ન્યુનતમ આવક ગેરંટી યોજના'ના (ન્યાય) અમલીકરણ દ્વારા આજીવિકાના સંકટનો ભોગ બનેલા મજૂરો અને ગરીબ લોકોના ખાતામાં આર્થિક મદદ મોકલે અને ખેડુતો અને નાના ઉદ્યોગપતિઓને રાહત આપવા પગલાં ભરે.
વડાપ્રધાનને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોના વાઈરસથી સર્જાતા આ સંકટને પહોંચી વળવા તેમની પાર્ટી સરકારની સાથે સંપૂર્ણ રીતે સાથે છે.
પત્રમાં એમ પણ લખ્યું છે કે, 'કોરોના વાઈરસના રોગચાળાએ લાખો લોકોના જીવનને જોખમમાં મૂક્યું છે અને દેશભરના લોકોની રોજીરોટી અને રોજિંદા જીવનને વિપરીત અસર કરી છે. કોરોના રોગચાળાને રોકવા અને તેને હરાવવાા આખો દેશ સાથે છે'.
કોંગ્રેસ પ્રમુખે કહ્યું, 'અમે તમારી સરકાર દ્વારા કોરાના વાઈરસ સામે લડવાની જાહેરાત કરાયેલા' 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન'નું સમર્થન કરીએ છીએ. હું તમને ખાતરી આપું છું કે આ રોગચાળાને રોકવા માટે લેવામાં આવતા દરેક પગલામાં અમે સરકારને અમારું પૂર્ણ સમર્થન આપીશું.'