જયપુર: રાજસ્થાન SOGએ મહત્વની કાર્યાવહી કરતાં સરકારી નોકરી અને વિભિન્ન આયોગ તેમજ બોર્ડ ચેરમેન અને સરકારી વિભાગમાં નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયા ઠગતા બે આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપીને ભરતપુરથી તો બીજા આરોપીને જયપુરથી પકડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે,આરોપી પોતાની ઓળખાણ મોટા નેતાઓ સાથે હોવાનું જણાવી લોકો સાથે છેતરપીંડી કરતાં હતા. SOGના કાર્યાલયમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેને યૂથ બોર્ડના ચેરમેન બનાવવા માટે આરોપીએ એક કરોડ રૂપિયાની માગ કરી હતી. તેમજ જો કોઈ વ્યક્તિ રાજ્યસભાનો સભ્ય બનવા ઈચ્છે તો તેની પાસેથી 70 કરોડની માગ કરવામાં આવે છે. આ ઉપરાંત આરોપીઓ સરકાર પાસેથી ટેન્ડર પાસ કરવવાનો પણ દાવો કરતા હોય છે. જેથી તેમની પર શંકા જતાં તેણે SOGમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ SOG ટીમે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીનું નામ રાજવીર અને યોગન્દ્ર હોવાનું સામે આવ્યું છે.
SOG ટીમે બંને આરોપીની પૂછપરછ કરતાં તેમણે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ FCI, યૂથ બોર્ડના અધ્યક્ષ, રાજ્યસભાના સભ્ય, બીજ નિગમ વિગેરેમાં સારી પોસ્ટિંગ અપાવવાની ખાતરી આપીને ચતુરાઈપૂર્વક લોકોને છેતરવાનું કામ કરતાં હતા.
આગળ વાત કરતાં આરોપી યોગેન્દ્રએ જણાવ્યું હતું કે, તે છેતરપીંડીનું કામ રાજવીરનું દેવુ ઉતારવા માટે કરતા હતા.