શિવસેના 18 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુસત્ર પહેલા રવિવારે દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના પક્ષોની બેઠકમાં સામેલ નહીં થાય. શનિવારે શિવસેના નેતા સંજય રાઉતે આ સ્પષ્ટતા કરી હતી.
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પત્રકારોને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરની આગેવાની વાળી પાર્ટી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(NDA)માંથી સત્તાવાર રીતે બહાર થવાની જાહેરાત જ બાકી છે. એવી પણ માહિતી સામે આવી છે કે, શિવસેનાના સાંસદો વિપક્ષ સાથે બેસશે. શિવસેનાએ એમ પણ આક્ષેપ કર્યો કે, ભાજપનો આશય રાજ્યમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણનો છે. રાઉતે ઉમેર્યુ, 'મને જાણ થઈ છે કે NDAની બેઠક 17 નવેમ્બરે યોજાશે.
મહારાષ્ટ્રમાં જે રીતનો ઘટનાક્રમ બની રહ્યો છે, તેને જોતા અમે પહેલા જ બેઠકમાં ન જોડાવાનો નિર્ણય લઈ લીધો હતો. અમારા પ્રધાને કેન્દ્ર સરકારમાંથી રાજીનામુ આપી દીધુ છે.' અમારા સાંસદોને સંસદમાં બેસવાની જગ્યા પણ બદલાઈ ગઈ છે. જેનો અર્થ છે કે, હવે શિવસેનાના સાંસદો સદનમાં વિપક્ષમાં બેસશે.
શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની કોમન મીનીમમ પ્રોગ્રામ પર સરકારની સહમતિ બની છે, જેની હવે દિલ્હીમાં ચર્ચા કરવાની જરૂર નથી. રવિવારે દિલ્હીમાં સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ શકે છે, જેમાં કોમન મીનીમમ પ્રોગ્રામના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.