આ જ રીતે મહારાષ્ટ્રમાં નંબર 2 અને 3 તરીકે ઉભરેલી શિવસેના અને એનસીપીએ પણ પોતાના ધારાસભ્ય દળના નેતાની વરણી કરી લીધી છે.
આપને જણાવી દઈએ કે, આ વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56 સીટ પર જીત મેળવી છે. જ્યારે ભાજપે અહીં 105 સીટ પર બહુમતી સાથે પ્રથમ નંબરે રહી હતી. શિવસેનાએ આજે તેમના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી હતી, જેમાં એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવ્યા છે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, આ પદ માટે આદિત્ય ઠાકરેની વરણી થઈ શકે છે, પણ શિવસેનાએ એકનાથ શિંદે ધારાસભ્યદળના નેતા બનાવી સૌને આશ્ચર્યચકિત બનાવી દીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આદિત્ય ઠાકરેએ જ એકનાથ શિંદેના નામની ભલામણ કરી હતી.
બીજી બાજુ એનસીપીમાંથી મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવારને એનસીપીના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અજીત પવારે પાર્ટીના તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એનસીપી હંમેશા બેરોજગારી અને કૃષિ સંકટના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહેશે. આપને જણાવી દઈએ કે, અજીત પવાર મહારાષ્ટ્રની બારામતી સીટ પર જીત્યા છે. 21 ઓક્ટોબરે યોજાયેલી આ ચૂંટણીમાં એનસીપીએ 54 સીટ પર જીત મેળવી છે.