નવી દિલ્હીઃ 2012ના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસની સુનાવણી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે કે, નિર્ભયા કેસના ગુનેગારોને અલગથી ફાંસી આપવામાં આવે. આ અંગે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ મંગળવારે સુનાવણી કરશે.
તમને જણાવી દઈએ કે, નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસના ગુનેગારોને 3 માર્ચે સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ નવો ડેથ વોરંટ આપવાની માંગણી કરતી અરજી પર આદેશ આપ્યો છે. આ મામલો ડિસેમ્બર 2012માં રાષ્ટ્રની રાજધાનીમાં 23 વર્ષીય યુવતીની દુષ્કર્મ અને હત્યા સાથે સંબંધિત છે. અદાલતના તાજેતરના આદેશ અંગે સંતોષ વ્યક્ત કરતાં નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, "હું સંતુષ્ટ અને ખુશ છું. મને આશા છે કે, આખરે 3 માર્ચે ગુનેગારોને ફાંસી આપવામાં આવશે."
દિલ્હી હાઈકોર્ટે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે,"નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં ચારેય ગુનેગારોને એક સાથે ફાંસી આપવી જોઇએ. આ સાથે અદાલતે દોષીઓને કાયદેસરની સારવારનો લાભ લેવા એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. જસ્ટિસ સુરેશકુમાર કૈટે ચુકાદામાં કહ્યું હતું કે, ડેથ વોરંટનું એક સાથે પાલન થવું જોઈએ. જેથી મુકેશને અન્ય ગુનેગારોથી અલગ કરી શકાતો નથી. હું ગુનેગારોને તેમની કાનૂની સારવાર માટે એક અઠવાડિયાનો સમય આપું છું."
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર, 2012ની રાત્રે 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થીની નિર્ભયા પર ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટના બાદ સરકાર પીડિતાને સિંગાપોર સારવાર માટે લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ કેસમાં દિલ્હી પોલીસે બસ ડ્રાઈવર સહિત છ લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક સગીરનો પણ હતો. સગીરને ત્રણ વર્ષ સુધી બાળસુધારણા ગૃહમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને મુક્ત કરાયો હતો. જ્યારે એક આરોપી રામસિંહે જેલમાં જ આત્મહત્યા કરી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટે આ કેસમાં ચાર આરોપીઓ પવન, અક્ષય, વિનય અને મુકેશને દોષી ઠેરવ્યાં હતાં અને મોતની સજા સંભળાવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપ્યું હતું.