નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સીએએનો વિરોધ કરતાં જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઇમામના કેસમાં ઉત્તર પ્રદેશ અને આસામ સહિત ચાર રાજ્યોને નોટિસ ફટકારી છે. શર્જીલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે, તેમની સામે ભડકાઉ ભાષણ કરવાના આરોપ હેઠળ નોંધાયેલા તમામ કેસોને એકીકૃત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ તમામ પક્ષોને વિગતવાર પ્રતિક્રિયા ફાઇલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે મંગળવારે દિલ્હી સરકારને આ મામલે પોતાનો વિગતવાર જવાબ રજૂ કરવાની બીજી તક આપી હતી. શર્જીલે તેમની અપીલમાં એવી માંગ પણ કરી છે કે, તેમની સામેના તમામ કેસોને રાજધાનીમાં ટ્રાન્સફર કરવામાં આવે અને એક જ એજન્સી દ્વારા તેમની તપાસ કરવામાં આવે. શર્જીલ ઇમામને રાજદ્રોહના આરોપમાં 28 જાન્યુઆરીએ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે બિહારના જહાનાબાદથી ધરપકડ કરી હતી.
25 જાન્યુઆરીએ, દિલ્હી પોલીસે શર્જિલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ (રાજદ્રોહ) અને 153 એ (જાતિ, ધર્મ, વર્ણ અને નિવાસના આધારે ભડકાવવાનો પ્રયાસ) સહિતના અન્ય અનેક ગુનાઓમાં કેસ નોંધ્યો હતો.