નવી દિલ્હીઃ આસામ સીમાંકન કેસમાં મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વચગાળાના સ્ટે લગાવવાનો ઇનકાર કરી દીધો છે. આ અરજીની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ બુધવારે કહ્યું હતું કે, અમે ધ્યાનમાં લઈ રહ્યા છીએ, પરંતુ એક્સ-પાર્ટ સ્ટે આપી શકતા નથી. અમારે સરકારની વાત પણ સાંભળવી પડશે.
અરજદાર વતી વિકાસસિંહે કોર્ટને કહ્યું હતું કે, આ કેસ આંતરિક લાઈન પરમિશનથી સંબંધિત છે, જેથી કોર્ટે સ્ટે આપવો જોઈએ. આ અંગે જવાબમાં કોર્ટે કહ્યું કે, હવે બે અઠવાડિયા પછી સુનાવણી કરશે, ત્યાં સુધીમાં સરકારનો જવાબ પણ આવી જશે.
આંતરિક લાઇન પરવાનગીના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે 2019ના રાષ્ટ્રપતિના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે અને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આસામના વિદ્યાર્થી સંગઠનોએ સીમાંકન વિરુદ્ધ અરજી દાખલ કરી છે. 2 વિદ્યાર્થી સંગઠનોએ બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન્સ, 1873માં થયેલા ફેરફારને પડકાર્યો છે.
આ ફેરફારને કારણે આસામમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અમલમાં આવી શકે છે. જો કે, સુપ્રીમ કોર્ટે હાલમાં નવા કાયદામાં પરિવર્તનને રોકવાની ના પાડી દીધી છે.