નવી દિલ્હીઃ દિલ્હીને છેવાડે આવેલા નજફગઢ વિસ્તારમાં ફક્ત અડધા કલાકના હળવા ઝાપટા બાદ રસ્તા પર ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા છે જેને કારણે પસાર થતા રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાહનમાં વરસાદી પાણી ભરાઇ જતા રસ્તા વચ્ચે વાહનો બંધ પડી જાય છે જેથી ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનોની લાંબી કતારો લાગે છે. અહીંના લોકોનું કહેવું છે કે રસ્તાનો આ ભાગ ન્યૂ રોશનપુરા વિસ્તારમાં પડે છે જ્યાં ક્યારેય સફાઇ થતી નથી જેને કારણે હળવા વરસાદમાં પણ ઘૂંટણ ભેર પાણી ભરાઇ જાય છે અને પસાર થતા લોકો માટે સમસ્યાનું કારણ બને છે.
દર ચોમાસે આ વિસ્તારમાં પાણી ભરાતા અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. રહીશોએ અનેકવાર ધારાસભ્યને આ અંગે રજૂઆત પણ કરી છે તેમ છતા આજસુધી આ સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી.