કેરળઃ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે લપસી ગયું હતું. જેથી વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું. જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે અને કો પાયલટ અખિલેશ કુમારે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ કેપ્ટન વસંત સાઠે દેશના ઉત્કૃષ્ટ પાયલટોમાં સ્થાન ધરાવે છે. એર ઇન્ડિયાની પેસેન્જર્સ ફ્લાઇટ ઉડાવ્યા પહેલા કેપ્ટન વસંત સાઠેએ 22 વર્ષ સુધી એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે સેવા આપી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કેપ્ટન દીપક સાઠે એરફોર્સથી નિવૃત્ત થયા હતાં, આ દરમિયાન તેમણે મિગ-21 જેવા ફાઇટર પ્લેન પણ ઉડાવ્યા હતા. સોર્ડ ઓફ ઓનરથી તેમનું સન્માન કરવામા આવ્યું હતું. કેપ્ટન સાઠેના ભાઇ પાકિસ્તાનથી યુદ્ધ દરમિયાન કારગિલમાં શહીદ થયા હતા. તેમના પિતા આર્મીમાં બ્રિગેડિયરના પદેથી નિવૃત્ત થયા હતા.
કેપ્ટન સાઠે જૂન, 1981માં એરફોર્સમાં જોડાયા હતા, ત્યારબાદ તેઓ એરફોર્સમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યાં હતાં. જૂન 2003ના તેઓ એરફોર્સમાંથી નિવૃત્ત થયા હતા, ત્યારબાદ તેમણે એરલાઇન્સ કંપનીઓને તેમના અનુભવથી મદદ કરવાનું શરૂ કર્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસની બોઇંગ 737 ફ્લાઇટ ઉડાવ્યા પહેલા તેઓ એરબસ 310 પણ ઉડાવી ચૂક્યા છે. હિન્દુસ્તાન એરોનોટિકલના ટેસ્ટ પાયલટ પણ રહી ચૂક્યા છે. તેમના પ્રદર્શનને લીધે એરફોર્સ એકેડમીએ તેમનું સન્માન પણ કર્યું હતું.
દુબઈથી આવી રહેલા વિમાનમાં મોટાભાગના લોકો પરિવાર સાથે સવાર હતા. હાલમાં નિયમિત વિમાન સેવા બંધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાની સેવાનો લોકો લાભ લઈ રહ્યાં છે. મહત્વનું છે કે, આ પ્લેનનું રન વે પર ક્રેશ લેન્ડિંગ થયું હતું. જ્યાં વિઝિબિલિટી 2000 મીટર હતી. જેથી રન વે નંબર 10 પર પ્લેન લપસીને આગળ ગયું અને ખાઇમાં પડી ગયું હતું. આ ઘટના બાદ પ્લેનમાં આગ નહોતી લાગી, કારણ કે તે સમયે વરસાદ વધુ પડી રહ્યો હતો. આ પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 174 પેસેન્જર અને 10 નવજાત બાળકો હતાં. હાલ બધા ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 19 લોકોના મોત થયાં છે.